કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ ટ્વીટરે હવે કોંગ્રેસ પક્ષનું જ ટ્વીટર અકાઉન્ટ લૉક કરી દીધું છે. એ સિવાય પક્ષના સિનિયર નેતાઓના અકાઉન્ટ પણ લૉક કર્યા છે. જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અજય માકન, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલા, આસામ કોંગ્રેસના પ્રભારી જિતેન્દ્ર સિંહ, મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવ અને સચેતક મણિકમનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે દિલ્હીના કથિત બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી નવ વરસની બાળકીના પરિવાર સાથેનો ફોટો ટ્વીટ કર્યો હતો. આને પગલે ધ નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)ની ફરિયાદને પગલે ટ્વીટરે રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ ટ્વીટ ડિલીટ કર્યું હતું. કમિશને કોંગ્રેસ લીડર પર સગીરાની ઓળખ છતી કરવાનો આરોપ મુક્યો હતો.
આ અગાઉ બુધવારે ટ્વીટરે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના 4 ઓગસ્ટે કરેલા ટ્વીટે કંપનીની નીતિઓનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમના અકાઉન્ટને અસ્થાયી રીતે બંધ કરાયુ છે. રાહુલ ગાંધીએ કરેલા વિવાદાસ્પદ ટ્વીટને કારણે પૂરા દેશમાં તેમની ટીકા થઈ હતી.
રાહુલ ગાંધીના આ ટ્વીટને કોંગ્રેસના અનેક નેતાઓએ રીટ્વીટ કર્યું હતું. એટલે ટ્વીટરે કાંગ્રેસ પક્ષના અધિકૃત અકાઉન્ટ સહિત અન્ય નેતાઓ વિરૂદ્ધ પગલાં ભર્યા હતા અને તેમના અકાઉન્ટ લૉક કરી દીધા.