સામાન્ય સમજ પ્રમાણે ફૂટપાથ લોકો સલામતીપૂર્વક અને વિના અવરોધ ચાલીને જઈ શકે એ માટે પાલિકા લાખો રૂપિયા ખર્ચીને બનાવતી હોય છે. પરંતુ હવે જાણે ફૂટપાથની વ્યાખ્યા બદલાઈને ફૂટપાથ ફોર ફેરીવાલા થઈ ગઈ હોય એવું લાગે છે. ફેરિયા ઉપરાંત ટુ વ્હીલર, કાર પણ ફૂટપાથ પર પાર્ક થવા લાગી છે. આટલું ઓછું હોય તેમ દુકાનદારો પણ ફૂટપાથના મોટા હિસ્સા પર કબજો જમાવી દેતા હોય છે. આને કારણે લોકોએ ભર ટ્રાફિકમાં જીવના જોખમે રસ્તા પર ચાલવું પડે છે.
મીરા રોડની મોટાભાગની ફૂટપાથ પર ફેરિયાઓ કે દુકાનદારોએ કબજો જમાવ્યો છે. તો ફૂટપાથ પર થતા પાર્કિંગ, ટુ વ્હીલરના ગેરેજ, ખાણીપીણીની લારીઓ-ખુમચાઓને કારણે નાગરિકોને ભાર હાલાકી ભોગવવી પડતી હોય છે.
પાલિકાને વિવિધ પ્રકારના કરવેરાઓ ભરવા છતાં સામાન્ય નાગરિકોના ભાગે તો હેરાનગતિ સિવાય બીજું કંઈ આવતું નથી.
છ મહિનામાં નવા ફૂટપાથના બેહાલ
પહેલા લૉકડાઉન દરમ્યાન મીરા-ભાયંદર પાલિકાએ રસ્તા, ફૂટપાથ સહિત અનેક કામો હાથ ધર્યા અને સમયસર પૂરા કર્યા. પરંતુ મીરા રોડમાં પૂનમ સાગર રોડ પરની બંને બાજુની ફૂટપાથના ચોમાસા પૂર્વે જ બેહાલ થઈ ગયા છે. નાળા પર બનાવેલી ફૂટપાથ પરના ઢાંકણા એટલા વજનદાર છે કે ચોમાસાપૂર્વે ગટર સાફ કરવા ઢાંકણા હટાવવા ક્રેનને બોલાવવી પડી. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરે ફૂટપાથનું કામ કેવું કર્યુ છે રામ જાણે, પણ ઢાંકણા હટાવવા જતા આજુબાજુનો ભાગ તૂટી ગયો છે. છ મહિના પહેલાં બનાવેલી ફૂટપાથના રિપેરિંગ (થીંગડાં મારવા) માટે પાછો લાખો રૂપિયાનો ખર્ચ પાલિકાએ કરવો પડશે એ લટકામાં.