ગોવાના શિરગાંવ ખાતે શ્રી લૈરાઈ જાત્રા દરમિયાન થયેલી ભાગદોડને કારણે સાત ભાવિકોએ જીવ ગુમાવ્યો હતો તો એંસીથી લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તુરંત ગોવા મેડિકલ કૉલેજ અને માપુસા સ્થિત નોર્થ ગોવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
શ્રદ્ધાળુઓ પારંપારિક જાત્રામાં ભાગ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભારે ભીડ દરમિયાન ફેલાયેલી અરાજકતાને કારણે દુર્ઘટના થઈ હતી. ઘાયલોમાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. જ્યારે અન્યોની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

દરમિયાન ઘટનાની જાણ થતાં જ મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે નોર્થ ગોવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને બિચોલિમ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુખ્ય પ્રધે ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ તેમની સારવાર અંગેની જાણકારી મેળવી હતી. એ સાથે તેમણે અધિકારીઓને આવશ્યક સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો.
ગોવામાં ખાસ કરીને દક્ષિણ ગોવામાં લૈરાઈ દેવીના અનેક ભક્તો છે. દક્ષિણ ગોવામાં જ લૈરાઈ દેવીનું મુખ્ય મંદિર આવેલું છે. લૈરાઈ દેવીની યાત્રા શિરગાંવ યાત્રના નામથી પણ ઓળખાય છે. આ ગોવાના મહત્વના ધાર્મિક ઉત્સવમાંનો એક છે જે બિચોલિમ તાલુકાના શિરગાંવ ખાતે લૈરાઈ દેવી સમક્ષ ઉજવાય છે. લૈરાઈ જાત્રા દર વરસે ચૈત્ર મહિનામાં યોજાય છે અને એ ઘણા દિવસો ચાલે છે. આ જાત્રાનું ખાસ આકર્ષણ છે અગ્નિ પર ચાલવાની પરંપરા. જેમાં ધોંડ કહેવાતા શ્રદ્ધાળુ ઉગાડા પગે અંગારા પર ચાલે છે. આ અનુષ્ઠાન તેમની આસ્થા અને ધ્યાત્મિક શુદ્ધતાનું પ્તીક ગણાય છે.
શિરગાંવ યાત્રા માત્ર એક ધાર્મિક ઉત્સવ જ નથી પણ ગોવાના અનોખા સાંસ્કૃતિક વારસાને દર્શાવતું ભવ્ય આયોજન પણ છે.






