ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં મંગળવારે એક મોટી દુર્ઘટના બની છે. ભોલે બાબાના સત્સંગમાં અચાનક ભાગદોડ મચતા સેંકડો લોકોને ઇજા પહોંચી હતી. જ્યારે નેવું ભક્તો મૃત્યુ પામ્યા હોવાનું સૂત્રએ જણાવ્યું હતું. જોકે ડીએમએ આપેલી જાણકારી મુજબ મરણાંક 60 જેટલો છે.. મળતા અહેવાલો મુજબ 25 શબને એટા જિલ્લામાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી જાણકારી મુજબ સિકંદરાબાદથી એટા રોડ પર આવેલા ફુલરઈ ગામ ખાતે ગયેલી હજારોની ભીડ સત્સંગ પત્યા બાદ બહાર નીકળી રહી હતી ત્યારે ભાગદોડ મચી હતી. જેમાં લગભગ નેવું સત્સંગીઓ મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં મોટાભાગના હાથરસ અને એટાના રહેવાસીઓ છે. દુર્ઘટનાની જાણ થતાં ડીએમ આશિષ કુમાર અને એસપી નિપુણ અગ્રવાલ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હાથરસમાં થયેલી કરુણાંતિકામાં મૃત્યુ પામેલાઓના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.