અમીષા પટેલ અને ડૉ. મંજુ લોઢાના હસ્તે કરાયું હરેશ મહેતાનું સન્માન
પ્રતિભા, પરિશ્રમ અને સમાજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવતો પ્રતિષ્ઠિત *‘વિંધ્ય આઇકોનિક બિઝનેસ એવોર્ડ–સીઝન 2’*નો ભવ્ય સમારોહ 7 ઓગસ્ટ, 2026ના રોજ લોઅર પરેલ સ્થિત લોધા એડ્રિના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. સ્નેહા ઇવેન્ટ્સ એન્ડ મેનેજમેન્ટ (મુંબઈ) અને મા કાલિકા ધામ ચેરિટેબલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સમારોહમાં વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી હતી.

ઉદ્યોગ-વેપાર, સમાજસેવા, શિક્ષણ, સંશોધન, પેટન્ટ, કલા, સિનેમા, મીડિયા, જનસંપર્ક, કાયદો, રિયલ એસ્ટેટ, યોગ અને જાહેર સેવા સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર આશરે 27 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
લોકપ્રિય બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ અને મુખ્ય અતિથિ, લોઢા ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. મંજુ મંગલ પ્રભાત લોઢાના હસ્તે વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બંને મહાનુભાવોની ઉપસ્થિતિએ સમારોહની ભવ્યતામાં વધારો કર્યો.
કાર્યક્રમની શરૂઆત મુખ્ય આયોજક વિષ્ણુ મિશ્રાના સ્વાગત પ્રવચનથી થઈ હતી. જાહેર સેવા અને કાયદા-વ્યવસ્થાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ એસીપી સંજય પાટીલને વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિષ્ણુ મિશ્રાએ જણાવ્યું કે, આ એવોર્ડનો હેતુ માત્ર સન્માન કરવાનો નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો છે. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જાણીતા મંચ સંચાલક અને સાહિત્યકાર અવિનાશ ત્રિપાઠીએ કર્યું હતું.





