ભારતીય ક્રિકેટ ટીમના એક આધારભૂત બેટ્સમેન અને ટીમ ઇન્ડિયાના પૂર્વ હેડ કૉચ અંશુમાન ગાયકવાડ એક વરસથી લંડનની એક હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર લઈ રહ્યા છે. ભારતીય ટીમના બેટિસમેન અને ચીફ સિલેક્ટર તરીકે સેવા આપી ચુકેલા સંદીપ પાટીલે તેમના એક સમયના સાથી માટે બીસીસીઆઈને આર્થિક સહાય પૂરી પાડવા અપીલ કરી છે.
આ અંગે સંદીપ પાટીલે જણાવ્યું હતું કે, તેમની લંડનની મુલાકાત દરમિયાન કિંગ્સ કૉલેજ હોસ્પિટલમાં ગાયકવાડને મળ્યા હતા. પાટીલે જણાવ્યું કે મુલાકાત દરમિયાન અંશુમને સારવાર માટે આર્થિક સહાયની જરૂર હોવાનું જણાવ્યું હતું. સંદીપે પાટીલે આ અંગે બીસીસીઆઈના ખજાનચી આશિષ શેલારને વાત કરી. એ સાથે તેમણે ઉમેર્યું કે તેઓ અન્ય પૂર્વ ક્રિકેટરોના ફંડ અંગેના અનુરોધ પર પણ વિચારણા કરશે. એ સાથે પાટીલે આશા વ્યક્ત કરી હતી કે બીસીસીઆઈ ગાયકવાડને જરૂરી આર્થિક સહાય પૂરી પાડશે.
અંશુમાન ગાયકવાડ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન હતા. તેમણે ભારત માટે 1975થી લઈ 1987 દરમિયાન 40 ટેસ્ટ અને 15 વન-ડે મેચ રમ્યા હતા. તેઓ ટીમ ઇન્ડિયાના બે વાર કૉચ પણ રહી ચુક્યા હતા. પહેલીવાર તેઓ 1997થી 1999 સુધી કૉચ રહ્યા હતા. જ્યારે 2000માં તેઓ ફરી ટીમના કૉચ બન્યા હતા.