આપણે જેને ઉડતી રકાબી કહીએ છીએ અને પશ્ચિમના દેશો યુએફઓ (અનઆઇટેન્ટિફાય ફ્લાઇંગ ઓબ્જેક્ટ) તરીકે ઓળખે છે એ જો તમને રસ્તા પર જોવા મળે તો શું થાય? એવી માન્યતા છે કે આવી ઉડતી રકાબીમાં એલિયન્સ ધરતી પર આવે છે. આવા એલિયન્સ અંગે અનેક વાતો થતી હોવાથી સામાન્ય લોકોમાં કુતુહલ પેદા થાય છે. જોકે પૂર્વ હોય કે પશ્ચિમના, બધા જ દેશોના લોકોએ માની લીધું છે કે એલિયન્સ રકાબી જેવા વાહનમાં જ આવતા હોય છે.
હવે વિચાર કરો કે આવી ઉડતી રકાબી જેવું વાહન રસ્તા પર દોડતું દેખાય તો સામાન્ય લોકોના તો હોશ જ ઉડી જાય. આવું એક યુએફઓ અમેરિકાના ઓકલાહોમામાં પેટ્રોલિંગ ટ્રૂપરને જોવા મળ્યું.
બન્યું એવું કે ઓકલાહોમાના હાઈવે પેટ્રોલિંગ ટ્રૂપર રયાન વેનવલેક રોજની જેમ પટ્રોલિંગ માટે નીકળ્યા. ત્યારે રસ્તામાં ગજબનું દૃશ્ય જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. રસ્તા પર એક ઉડતી રકાબી જેવું વાહન દોડી રહ્યું હતું. આમ છતાં ટ્રૂપરે ઉડતી રકાબી જેવા વાહનને અટકાવ્યું. એની નંબર પ્લેટ પણ વિચિત્ર હતી. પેટ્રોલિંગ ટ્રૂપરે યુએફઓને અટકાવ્યું તો એમાં બે લોકો હતા. જોકે હાઇવે પેટ્રોલે તેમને વૉર્નિંગ આપી છોડી દીધા.
ઓકલાહોમા હાઇવે પેટ્રોલે એના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વાહનનો ફોટો શેર કરવાની સાથે લખ્યું કે, રોજ એવું નથી બનતું કે પેટ્રોલિંગ દરમિયાન યુએફઓ અટકાવવાનો મોકો મળે. એ સાથે જાણકારી પણ આપી કે યુએફઓમાં પ્રવાસ કરી રહેલા લોક ન્યૂ મેક્સિકોના રોજવેલ ખાતે યોજાઈ રહેલા યુએફઓ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.