વિશ્વમાં કોઈ પણ સ્થળે યુદ્ધ કે અન્ય કારણોસર કટોકટી જેવો માહોલ હોય, અને ત્યાં ભારતીયો ફસાયા હોય ત્યારે ઍર ઇન્ડિયાના વિમાનો તેમને સહીસલામત ભારત લાવવા પહોંચી જતા હોય છે. હાલ, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યારે યુક્રેનમાં વીસ હજારથી વધુ ભારતીયો ત્યાં ફસાયા છે. તેમને સહીસલામત ભારત લાવવા ઍર ઇન્ડિયાના વિમાનો મોકલવામાં આવી રહ્યા છે. આજે (શનિવારે લગભગ 450 જેટલા ભારતીયો, ખાસ કરીને વિદ્યાર્થીઓને લઈ બે વિમાન આજે સાંજે મુંબઈ ઍરપોર્ટ પર પહોંચશે.

નાગરિક હવાઈ સેવા દ્વારા અન્ય દેશોમાં ફસાયેલા લોકોને ત્યાંથી તેમના વતન પાછા લાવવાના સૌથી મોટા અભિયાન ચલાવવાની ઍર ઇન્ડિયાની ખાસ ઓળખ રહી છે, અને એ માટે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પણ એનું નામ નોંધાયું છે. યુક્રેન કટોકટીમાં ભારતીયોને પાછા લાવવાની કામગીરી બજાવી રહેલી ઍર ઇન્ડિયા આ અગાઉ પણ આવા મિશન પાર પાડી ચુકી છે.

સૌપ્રથમ 1980માં કુવૈત ખાતે ફસાયેલા 1.70 લાખથી વધુ ભારતીયોને પાછા લાવવાની વિકટ કામગીરી ઍર ઇન્ડિયાએ યશસ્વી રીતે પાર પાડી હતી. આ કાર્ય એટલું ભગીરથ હતું કે બીજી કોઈ સિવિલ ઍરલાઇન્સ કદાચ એ માટે તૈયાર ન થાત. અતિશય જોખમી એવા આ મિશનને કેન્દ્રમાં રાખી અક્ષય કુમાર અભિનીત સુપર હિટ ફિલ્મ 2016માં ઍરલિફ્ટ બની હતી.
1980 બાદ પણ ઍર ઇન્ડિયી દ્વારા આ પ્રકારના અભિયાન હાથ ધરાયા હતા.
- મે, 1994માં યમનમાં ફેલાયેલી અરાજકતાને પગલે ત્યાં ફસલાયેલા ભારતીયોને મસ્કતના રસ્તે યમનની રાજધાની સના માટે મુંબઈથી ખાસ ફ્લાઇટ સંચાલિત કરાઈ હતી.
- સપ્ટેમ્બર, 1996માં ઍર ઇન્ડિયાએ એવા ભારતીયોને પાછા લાવવા માટે ઓપરેશન એમ્નેસ્ટી ઍરલિફ્ટ ચલાવ્યું હતું જેમની પાસે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)માં કામ કરવાની અધિકૃત પરમીટ નહોતી.
- ઓક્ટોબર, 1997માં સાઉદી આરબમાં એમ્નેસ્ટી સ્કીમ પૂરી થાય એ પહેલાં જે ભારતીયો પાછા જવાનો આદેશ અપાયો હતો તેમને પાછા લાવવાનું મિશન હાથ ધર્યું હતું.
- જુલાઈ, 2006માં લેબેનોન ખાતે ફસાયેલા ભારતીયોને સાયપ્રસના લારકાના રૂટથી પાછા લવાયા હતા.
- માર્ચ, 2011માં ઇજિપ્તમાં થયેલી રાજકીય ઉથલપાથલ બાદ કાહિરાથી 11,345 જેટલા ફસાયેલા ભારતીયોને સ્વદેશ પાછા લાવવા ખાસ વિમાનો મોકલ્યા હતા.
- ઓગસ્ટ, 2014માં લિબિયા અને માલ્ટા ખાતે ફસાયેલા બારસોથી વધુ ભારતીયોને પાછા લાવવા ટ્યુનિશિયાના ડજેર્બો ખાતે વિમાનો મોકલવામાં આવ્યા હતા.
- એપ્રિલ, 2015માં યમનની રાજધાની સનામાં ફસાયેલા ભારતીયો તથા અન્ય નાગરિકોને બહાર કાઢવા ફ્લાઇટનો બંદોબસ્ત કર્યો હતો.
- જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2020માં કોરોના મહામારી દરમિયાન ઍરલાઇન્સે ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે વિમાનો મોકલ્યા હતા.
- મે, 2020. ઍર ઇન્ડિયા વંદે ભારત મિશન અંતર્ગત ફ્લાઇટનું સંચાલન કરી રહી છે.






