વૃષભ (બ. વ. ઉ.)
આજે આપણે વૃષભ રાશિના સર્વસામાન્ય ગુણધર્મનું આપણે વિશ્ર્લેષણ કરશું. વૃષભ રાશિના લોકોના નામ બ. વ. ઉ.થી શરૂ થતાં હોય છે. વૃષભ એટલે બળદ. સામાન્ય રીતે આ રાશિના લોકો શાંત અને મસ્તીખોર સ્વભાવના હોય છે. આમ છતાં જ્યારે તેઓ ગુસ્સે થાય ત્યારે મરવા-મારવા પર આવી જાય છે. કોર્ટ-કચેરી વગેરે મામલામાં જ્યાં સુધી તેમનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તેમનું યુદ્ધ ચાલતું રહેતું હોય છે.
વૃષભ રાશિ પૃથ્વી તત્ત્વવાળી છે તથા તેનો સ્વામિ શુક્ર છે. આ રાશિના લોકોને સુગંધિત પદાર્થ, હીરા, મોતી, આભૂષણ, ગાડી, બંગલો, ચમકદમક વગેરે અધિક પસંદ હોય છે. તેઓ મોટા મોટા સપના જુએ છે. તેમજ તેમને ભોગવિલાસ અને મોજશોખ પસંદ હોય છે.
I have something… મારી પાસે કંઇક છે તે આ રાશિનું સ્ટેટસ હોય છે. વૃષભ રાશિના લોકો અત્યંત શક્તિશાળી હોય છે. એટલે પ્રતિજાતિના લોકો જલદી આકર્ષિત થતા હોય છે. પ્રતિજાતિના લોકોની મૈત્રી તેમને પસંદ હોય છે.
વૃષભ રાશિના લોકોના ગ્રહયોગો બળવાન હોય તો તેઓ વેપાર-ધંધામાં રસ લે છે, નહીંતર તેઓ મનપસંદ જગ્યા પર નોકરી કરતા હોય છે. તેઓ નૃત્ય, સંગીત, કળા, રંગમંચ, ફિલ્મ, ટીવી વગેરેમાં વધુ રસ ધરાવે છે.
વૃષભ રાશિના લોકોની ધીર-ગંભીરતા, ઉદારતા, સરળતા, પ્રામાણિકતા તથા બુદ્ધિચાતુર્યને કારણે સમાજમાં તેમને માન-સન્માન મળે છે. આ રાશિના લોકોને બીજાને ખવડાવવા-પીવડાવવામાં આનંદ આવતો હોય છે. જીવો અને જીવવા દો તેમનો સિદ્ધાંત હોય છે.