કર્ક (ડ. હ.)
આજે આપણે રાશિ ચક્રની ચોથી કર્ક રાશિ વિશે જાણીશું. કર્ક રાશિમાં મુખ્યત્વે ડ અને હ અક્ષર આવે છે. પાણીમાં રહેતો કરચલો કર્ક રાશિનું ચિન્હ છે. કરચલો પાણીમાં એક જગ્યાએ સ્થિર ન હોય અને વિવિધ સ્થળોએ ભ્રમણા કરતો રહે તેવી જ રીતે કર્ક રાશિનાં લોકો વિવિધ સ્થળે ભ્રમણ કરતા રહે છે.
એક સાધુની જેમ કરચલો જુદી જુદી જગ્યાએ પ્રવાસીની જેમ ફરતો રહે છે તેવી રીતે આ રાશિના લોકો નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ફરતા રહેતા હોય છે. કર્ક રાશિનાં લોકોને એક બ્રાહ્મણની જેમ જ્ઞાન પ્રાપ્ત કરવું તથા લોકોને યોગ્ય માર્ગદર્શન આપવાનું પસંદ હોય છે. વિપ્રવર્ણની આ રાશિના લોકો તીર્થયાત્રા તથા ધાર્મિક કાર્ય કરતા રહેતા હોય છે. તેમના હાથેથી સારા કાર્યો થતાં હોય છે. ભારતીય સંસ્કૃતિ તેમ જ જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ રુચિ હોય છે.
કર્ક રાશિના લોકો સંવેદનશીલ, નિસ્વાર્થી, વિશાળ હૃદયવાળા, જ્ઞાની તથા નીતિ નિયમવાળા હોય છે. જળ તત્ત્વવાળી આ રાશિના લોકોને પ્રવાહી ચીજવસ્તુ, દૂધ તથા દૂધમાંથી બનતી વિવિધ ખાદ્યસામગ્રી વગેરેમાં રુચિ હોય છે તેમ જ તેની સાથે લેણાદેણી હોય છે.
શાંત તથા ભાવનાશીલ સ્વભાવવાળી આ રાશિના લોકો Gentleman Spiritવાળા હોય છે. તથા કોઈનું સારું થાય તો કરવું પણ ખરાબ ન કરવું તેવી સદભાવના હોય છે.
‘હું કંઇક અનુભવ કરી રહ્યો છું’ તે કર્ક રાશિનું સ્ટેટસ હોય છે. આ રાશિના લોકો જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રો, ધર્મ, તત્ત્વજ્ઞાન, જ્યોતિષ શાસ્ત્ર, શિક્ષણ, સ્કૂલ, કૉલેજ, ભારતીય સંસ્કૃતિના વિવિધ ક્ષેત્રોમાં સફળ થતાં હોય છે. નોકરીની સાથે સાથે વેપારધંધામાં પણ તેઓ સફળતા મેળવતા હોય છે. જીવનમાં તેઓ Friend, Philosopher and Guideની ભૂમિકા ભજવતા હોય છે.