અધિસૂચના ૨૮ એપ્રિલે જાહેર કરાશે
રાજસ્થાન પહેલું રાજ્ય બનશે જ્યાં પત્રકારોના પરિવારની સારવાર માટે રાજસ્થાન જર્નલિસ્ટસ હેલ્થ સ્કીમ (આરજેએચએસ) અમલમાં મુકાશે. આ યોજના અંતર્ગત અધિસ્વિકૃત પત્રકારોને બોર્ડ, પ્રાધિકરણ અને નિગમ વગેરેના કર્મચારીઓની જેમ વધુમાં વધુ દસ લાખ રૂપિયા પ્રતિ વર્ષના હિસાબે આરોગ્ય સુવિધા મળશે. આ અંગેની અધિકૃત જાહેરાત ૨૮ એપ્રિલે કરવામાં આવશે. આ સુવિધા હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને મળી રહી છે. જોકે તેમના પગારમાંથી આ સુવિધા માટે અમુક રકમ કાપવામાં આવે છે. જ્યારે બોર્ડ, નિગમ, પ્રાધિકરણના કર્મચારીઓએ ઉપચાર માટેની ફી સંબંધિત સંસ્થાને કરવું પડે છે. વર્તમાન સરકારે અગાઉની સરકાર કરતાં એક ડગલું આગળ વધીને આ યોજના અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે.
આ યોજના અંતર્ગત તમામ અધિસ્વીકૃત પત્રકારોને એક કાર્ડ ડીઆઈપીઆર દ્વારા જારી કરશે. આ કાર્ડ એવી તમામ હોસ્પિટલમાં ઉપયોગમાં લઈ શકાશે. જેમકે જયપુર સ્થિત ફોર્ટિસ, શૈલબી, નાયરણા, સી.કે. બિરલા, મેક્સ, મંગલમ, ઇન્ડસ, ઇટર્નલ, દુર્લભજી, ટોમ્પા વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે રાજ્યની તમામ હોસ્પિટલ આરજેએચએસના દાયરામાં આવી જશે.
પત્રકારોએ માત્ર કાર્ડ બતાવવાનું રહેશે જેના થકી ઇન્ડોર સારવાર વિનામૂલ્ય મળી રહેશે. દસ લાખ રૂપિયા સુધીની સારવાર મળી શકે એમ હોવાથી હોસ્પિટલમાં દાખલ થયેલા પત્રકાર કે એના પરિવારજનોને ડીલક્સ રૂમની સુવિધા લઈ શકશે. તો આઉટડોર સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ફી પત્રકારે ભરવી પડશે. રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય છે જ્યાં પત્રકારોના કલ્યાણ માટે મુખ્ય પ્રધાને આવો નિર્ણય લીધો હોય.
૨૮ માર્ચના ભીલવાડા ખાતે આયોજિત રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં આરજેએચએસ યોજના અંગેના જીઆર ફોલ્ડરનું વિમોચન કરાશે. ત્યારબાદ જયપુર ખાતે આયોજિત કાર્યક્રમનું આયોજન કરી વરિષ્ઠ પત્રકારોને કાર્ડ વિતરિત કરી યોજનાનો વિધિવત પ્રારંભ કરશે.






