2024માં નરેન્દ્ર મોદીને યેન કેન પ્રકારણે સત્તાથી દૂર કરવાનો પ્રયાસ કરી રહેલા વિરોધ પક્ષો સત્તા હાંસલ કરવા મોદીને અભણ વડા પ્રધાન હોવાનો આક્ષપ કરવાથી લઈ સનાતન ધર્મને ડેંગ્યુ-એઇડ્સ કહેવા જેવી નીચલી પાયરી પર ઉતરી ગયા છે. દેશમાં કટોકટી લાદનારો પક્ષ બંધારણ બચાવવાની વાત કરી રહ્યો છે. I.N.D.I.A.ના ઘટક પક્ષો, ખાસ કરીને રાહુલ ગાંધી વિદેશમાં જઈ પત્રકારો પર થઈ રહેલા અત્યાચારની વાત ગાઈ વગાડીને કહી રહ્યા છે ત્યારે તેમના વિરોધ પક્ષોના ગઠબંધને દેશની નેશનલ ચૅનલના 14 પત્રકારોના નામની યાદી જાહેર કરી છે અને તેમના શોમાં ગઠબંધનના પક્ષોના નેતાઓને હાજરી ન આપવા જણાવ્યું છે.
વિરોધ પક્ષોના I.N.D.I.A. ગઠબંધને જે એન્કરના શોનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે એમાં ન્યુઝ 18ના અમન ચોપરા, અમીષ દેવગણ અને આનંદ નરસિંહન, ભારત એક્સપ્રેસના અદિતિ ત્યાગી, ડીડી ન્યુઝના અશોક શ્રીવાસ્તવ, આજ તકનાં સુધીર ચૌધરી અને ચિત્ર ત્રિપાઠી, ભારત 24નાં રુબીના લિયાકત, ઇન્ડિયા ટુડેના ગૌરવ સાવંત અને શિવ અરૂર, ઇન્ડિયા ટીવીનાં પ્રાચી પરાશર, ટાઇમ્સ નાઉ નવભારતનાં નાવિકા કુમાર અને સુશાંત સિંહા તથા રીપબ્લિક ભારતના અર્નબ ગોસ્વામીનો સમાવેશ થાય છે.
I.N.D.I.A. એલાયન્સ એના સાંપ્રદાયિક કવરેજ અને સાર્વજનિક હિતોના મુદ્દે યોગ્ય કવરેજ કરતા ન હોવાનું જણાવી નવ ટીવી ચૅનલોના 14 એન્કરોનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.
13 સપ્ટેમ્બરે મળેલી અલાયન્સની પહેલી સંકલન સમિતિની બેઠકમાં બાર પક્ષોએ હાજરી આપી હતી. બેઠક બાદ અલાયન્સની મીડિયા સમિતિના સભ્યએ પુષ્ટિ આપી હતી કે ચૅનલોની તેમની સાંપ્રદાયિક ચર્ચાઓ અને જાહેર હિતના મુદ્દાઓથી તેમની ચર્ચા અને અહેવાલો કેટલી દૂરી રાખે છે એના આધારે આવા એન્કરોનો બહિષ્કાર કરવામાં આવશે.
શું આ ચૅનલો અને એન્કરોનો બહિષ્કાર કાયમી હશે? પ્રશ્નના જવાબમાં I.N.D.I.A. સમિતિના સભ્યના જણાવ્યા મુજબ આગામી થોડા મહિના આ ચૅનલોનું અવલોકન કરવામાં આવશે. જો તેમના વ્યવહારમાં અને અહેવાલોમાં સુધારો જોવા મળશે તો પ્રતિબંધ પાછો ખેંચવામાં આવશે. જો તેમનામાં કોઈ સુધારો જોવા ન મળ્યો તો એવી ચૅનલો માટેની જાહેરાતો આપવા પર પ્રતિબંધ મુકવા જેવા પગલાં પણ લેવાઈ શકે છે.
I.N.D.I.A. એલાયન્સની આ જાહેરાતના ઘેરા પ્રત્યાઘાત પત્રકાર જગતમાં પડ્યા છે. અનેક પત્રકાર સંઘોએ I.N.D.I.A. એલાયન્સના આ નિર્ણયને વખોડી કાઢ્યો છે.