બૃહન્મુંબઈ મહાનગરપાલિકાની આવકના મહત્ત્વના સ્રોત એવા પ્રોપર્ટી ટેક્સની વસુલીમાં ગયા વરસની તુલનાએ આ વરસે 700 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 31 માર્ચ, 2022ના પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 5,792 કરોડ કરતા વધુ રૂપિયાની વસુલી કરવામાં આવી છે. મહાપાલિકાના ઇતિહાસમાં અત્યાર સુધીની વિક્રમી કર વસુલી છે.
ખાસ બાબત એ છે કે, આ વરસની પહેલી જાન્યુઆરીથી મુંબઈમાં 500 ચોરસફૂટના ઘરોને પ્રોપર્ટી ટેક્સમાં પૂર્ણપણે માફી આપવામાં આવી છે. આમ છતાં પ્રોપર્ટી ટેકસની આવકમાં થયેલો ભારે વધારો જોતા ટેક્સ ડિપાર્ટમેન્ટની કામગીરી ઉલ્લેખનીય રહી છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે ગયા વરસની તુલનાએ 24માંથી 3 વૉર્ડે 30 ટકા કરતા વધુ પ્રોપર્ટી ટેક્સ વસુલ્યો છે. એમાં પણ જી/દક્ષિણ વૉર્ડે 34.34 ટકા જેટલા વધારા સાથે પહેલું સ્થાન મેળવ્યું છે.
મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને અનેક પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. એને ધ્યાનમાં રાખતા પ્રોપર્ટી ટેક્સ પાલિકાની આવકનો મહત્ત્વનો સ્રોત ગણાય છે. નાગરિકો સમયસર પ્રોપર્ટી ટેક્સ ચુકવે એ માટે પાલિકા કમિશનર ઇકબાલ સિંહ ચહલના માર્ગદર્શનમાં એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) પી. વેલરાસુની દેખરેખ હેઠળ મહાનગર પ્રશાસન વરસ આખું પ્રયત્નશીલ હતું.






