મહારાષ્ટ્ર સરકારના આંકડાઓ મુજબ લેવલ-2માં આવતી મીરા-ભાયંદર મહાપાલિકાના કમિશનર દિલીપ ઢોલેએ 9 જૂને જારી કરેલા પરિપત્રને કારણે સ્થાનિક ફૅમિલી ફિઝિશિયનો સહિત લોકોમાં પણ આક્રોશ ફેલાયો છે.
9 જૂન 2021ના જારી કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારે મહાપાલિકાને કોરોના વાઇરસના ફેલાવાને રોકવા જરૂરી તમામ પગલા લેવાની છૂટ આપી છે. આ કાયદા અંતર્ગત મીરા-ભાયંદર મહાપાલિકાના કમિશનર દિલીપ ઢોલેએ મહાપાલિકા ક્ષેત્રમાં કાર્યરત તમામ ફૅમિલી ફિઝિશિયનને જણાવ્યુ છે કે તેમના દવાખાનામાં આવતા તમામ દરદીઓના રૅપિડ એન્ટીજન ટેસ્ટ (આરએટી) કરવાનું ફરજિયાત બનાવવાની સાથે એનો અહેવાલ રોજ બપોરના ત્રણ વાગ્યા સુધીમાં પાલિકાના સંબંધિત આરોગ્ય અધિકારીને મોકલવામાં આવે.
પાલિકા કમિશનરે પરિપત્રમાં જણાવ્યુ હતું કે, આને કારણે કોરોનાના સંક્રમિતોની જાણકારી તુરંત મળવાની સાથે તેમને તાત્કાલિક સારવાર પણ આપી શકાશે. એ સાથે મહારાષ્ટ્ર સરકારે શરૂ કરેલા બ્રેક ધ ચેન અભિયાનને પણ વેગ મળશે. તેમનું કહેવું છે કે ફૅમિલી ફિઝિશિયનને ત્યાં આવતા દરદીના રૅપિડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યા બાદ આવશ્યકતા જણાય તો પાલિકાના આરોગ્ય વિભાગને આરટી-પીસીઆર ટેસ્ટ કરવા માટે જાણ કરવી. જો કોઈ ડૉક્ટર પાલિકાએ જારી કરેલા નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમનું લાઇસંસ રદ કરાશે.
પાલિકા દ્વારા જારી કરાયેલા પરિપત્રને કારણે મીરા-ભાયંદરના તમામ ફૅમિલી ફિઝિશિયનોની સાથે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. મીરા-ભાયંદર મેડિકલ અસોસિયેશન સાથે સંકળાયેલા એક ડૉક્ટરે જણાવ્યું કે પાલિકાના આવા આદેશને પગલે અમુક ડૉક્ટર્સે તો તેમની ડિસ્પેન્સરી થોડા દિવસ બંધ રાખવાનું નક્કી કર્યું છે. તો મીરા રોડમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટર મુકુંદ રાજપુતે કહ્યું કે, મીરા-ભાયંદરમાં જ્યારે રોજના 500થી વધુ કેસ નોંધાતા હતા ત્યારે આવો નિર્ણય લેવાયો નહોતો. પરંતુ, આજે જ્યારે શહેર લેવલ-ટુમાં છે ત્યારે આવો અવ્યવહારૂ આદેશ જારી કરવાથી ડૉક્ટર્સ અને લોકોની મુસીબતોમાં જ વધારો થશે. અમે પાલિકા કમિશનરને આવો અવ્યવહારૂ આદેશ વહેલી તકે પાછો ખેચવાની અપીલ કરી છે.
પાલિકા કમિશનરના આદેશને પગલે શહેરના નગરસેવકો પણ પરેશાન છે. મીરા રોડના નગરસેવક અનિલ વિરાણીનું કહેવું છે કે કમિશનરના આદેશને કારણે મુંઝવણમાં મુકાયેલા લોકો સતત અમને ફરિયાદ કરી રહ્યા છે કે સામાન્ય બીમારી માટે ડૉક્ટર પાસે જઇએ તો અમને કોરોનાનો ટેસ્ટ કરાવવાની ફરજ પાડે છે.