લોકસભાની ચૂંટણીમાં અનમેક ઇચ્છુકોને ટિકિટ મળી ન હોવાથી તમામ પક્ષોમાં નારાજ નેતાઓની સંખ્યા વધતી જાય છે. આવા નારાજ નેતાઓને મનાવવા માટે ભવિષ્યમાં તેમનું રાજકીય પુનર્વસન કરવાનું આશ્વાસન અપાઈ રહ્યું છે. વિધાનસભા, વિધાન પરિષદની લૉલીપૉપ આપી 42 જગ્યાનું ગણિત સમજાવવામાં આવી રહ્યું છે. શિવસેનામાંથી જેની ટિકિટ કાપવામાં આવી છે તેમને વિધાનસભાની ટિકિટ કે વિધાન પરિષદમાં લેવાનું આશ્વાસન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ વિધાન પરિષદમાં 78 જગ્યામાંથી લગભગ અડધાથી વધુ બેઠક ખાલી છે. ઉપરાંત જુલાઈ મહિનામાં પણ અમુક બેઠકો ખાલી થશે.
વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા 12 જણની નિયુક્તિ કરવામાં આવે છે. એ બેઠકો પર હજુ કોઈની નિયુક્તિ કરવામાં આવી નથી. આ બેઠકૌ માટે સત્તાધારી પક્ષ રાજ્યપાલને નામોની યાદી મોકલાવે છે. ઉપરાંત જુલાઈ મહિનામાં વિધાન પરિષદના 11 સભ્યોનો કાર્યકાળ પૂરો થાય છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાંથી જતા 22 સભ્યોમાંથી છ સભ્યોનો કાર્યકાળ મે અને જૂન મહિનામાં પૂરો થાય છે. તો આ ક્વૉટાની નવ બેઠકો આ પૂર્વેજ ખાલી પડી છે. શિક્ષક મતદાર સંઘના બે પદ પણ જુલાઈ મહિનામાં ખાલી પડશે. પદવીધર મતદાર સંઘના બે સભ્યોનો કાર્યકાળ જુલાઈ મહિનામાં પૂરો થઈ રહ્યો છે.
આ ખાલી પડી રહેલી જગ્યા દ્વારા નારાજી દૂર કરવાનો પ્રાયસ કરાશે. ઉપરાંત જેમને વિધાન પરિષદમાં સ્થાન નહીં અપાયું હોય તેમને વિધાનસભાની ટિકિટ આપવાનું આશ્વાસન આપી નારાજી દૂર કરાશે.