મુંબઈ–પુણે એક્સપ્રેસ વે પર એક મોટી દુર્ઘટના ટળી હતી. ખાનગી બસમાં અચાનક ભડકે બળી ઊઠી હતી. ટાયર ફાટવાને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈથી પુણે જતી બસ આઢે ગાવની હદમાં આ ઘટના બની હતી. બસમાં અચાનક આગ લાગતા અનેક પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે ડ્રાઇવરે સમયસૂચકતા દાખવી તમામ પ્રવાસીઓને સુખરૂપ બસમાંથી બહાર કાઢતા એક પણ મુસાફરને ઇજા થઈ નહોતી. આગની જાણકારી મળતા ઘટનાસ્થળે દોડી ગયેલા અગ્નિશામક દળે આગ પર કાબુ મેળવ્યો હતો.
શનિવારે સવારે સાડાસાત વાગ્યે આઢેગાવની હદમાં બસ દાખલ થઈ ત્યારે ખાનગી બસનું ટાયર ફાટતા બસમાં આગ લાગી હતી. ત્યાર બાદ શોર્ટ સર્કિટને કારણે પૂરી બસ ભડકે બળવા લાગી. બસમાં 36 પ્રવાસીઓ હતા. ટાયર ફાટ્યું હોવાનું જણાતા ડ્રાઇવરે સમયસૂચકતા દાખવી તમામ પ્રવાસીઓને બસમાંથી ઉતાર્યા હતા. આઈઆરબી પેટ્રોલિંગ, દેવદૂત સિસ્ટમ, ડેલ્ટા ફોર્સ, વડગાવ ટ્રાફિક પોલીસના સંયુક્ત પ્રયાસો થકી આગને કાબુમાં લેવામાં આવી હતી.