સ્વર્ગીય ઉદ્યોગપતિ અને સમાજસેવક મૂલચંદ શાહે મુંબઈમાં ધંધાની શરૂઆત કરવાની સાથે એફએમસીજી ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં આગવી ઓળખ બનાવી હતી. રાજસ્થાનના પાલી જિલ્લાના જવાલી ગામના મૂળ વતની એવા મૂલચંદ શાહની જન્મશતાબ્દી નિમિત્તે મુંબઈની તાજમહેલ પેલેસ હોટેલ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં મૂલચંદ શાહના પ્રેરણાદાયી જીવન યાત્રા પર આધારિત પુસ્તક કૉફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. મૂલચંદ શાહ એક એવું વ્યક્તિત્વ જેમણે સમાજસેવાને અગ્રસ્થાને રાખવાની સાથે વિશ્વભરમાં તેમના ધંધાકીય સામ્રાજ્યને ફેલાવ્યું.
આ અવસરે મહારાષ્ટ્રના ક્બિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા, વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, બૉમ્બે હાઇકોર્ટના પૂર્વ જસ્ટીસ કે.કે. તાતેડ, આધ્યાત્મિક ગુરુ દેવેન્દ્ર બ્રહ્મચારી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઉદ્યોગ જગતના બીએસઈના એમડી અને સીઇઓ સુંદરરમન રામમૂર્તિ, નેસકૉમના સ્થાપક અધ્યક્ષ હરીશ મહેતા, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના એમડી અને સીઇઓ નવનીત મુનોટ, યુનિલીવર ઇન્ટરનેશનલના પૂર્વ સીઇઓ અને હાલ યુએમએ ગ્લોબલ ફૂડ્સના ગ્રુપ સીઇઓ ઉમેશ શાહ, મોતીલાલ ઓસવાલ ગ્રુપના એમડી-સીઇઓ મોતીલાલ ઓસવાલ, સેલો વર્લ્ડના સીએમડી પ્રદીપ રાઠોડ, બિસ્લેરીના સીઇઓ એન્જેલો જ્યોર્જ અને મુંબઈના વિખ્યાત રિયાલિટી ડેવલપર પારસ ગુંડેચાનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે માનિક શાહ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર માનિક શાહે તેમના પિતાની નાનકડા ગામડાથી શરૂ કરીને વૈશ્વિક બિઝનેસના માંધાતા બનવા સુધીની સફર વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ માત્ર એક પુસ્તક નથી, આ રાજસ્થાનના એક નાનકડાં ગામડાંથી લઈ વૈશ્વિક વેપારમાં કાઠું કાઢનાર મારા પિતાની અવિશ્વસનીય યાત્રાની ગાથા છે. તેમણે પિતાની આધુનિક વિચારસરણીની યાદોને તાજા કરતા કહ્યું કે, વીસમી સદીમાં પણ મારા પિતા સંતાનોને તેમની મરજી મુજબ જીવવાની આઝાદી આપવામાં માનતા હતા.

પિતાએ સમાજની ઉન્નતિ માટે કરેલા કાર્યો વિશે જણાવતા કહ્યું કે, તેઓ માત્ર ધંધાને વિકસાવવા પર ધ્યાન આપવાની સાથે સમાજના ઉત્કર્ષ માટે પણ તત્પર રહેતા. તેમણે સ્કૂલ, હોસ્પિટલ, મંદિર બનાવવાની સાથે જરૂરિયાતમંદોને સહાય આપવામાં પણ અગ્રેસર રહેતા. પિતાનું માનતા હતા કે આપણે જેટલી વધુ સફળતા હાંસલ કરીએ એટલી સમાજ પ્રત્યેની જવાબદારી પણ વધતી જાય છે. એ સાથે તેમણે પિતાના આ વારસાને જાળવી રાખવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના ભાગરૂપ જૈન લીડરશિપ ઇન બિઝનેસ એન્ડ બિયોન્ડ નામક પૅનલ ચર્ચામાં નવનીત મુનોત અને ઉમેશ શાહે ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત વિખ્યાત ગાયક-ભજનસમ્રાટ પદ્મશ્રી અનુપ જલોટાના ભજનોથી થઈ હતી. તો કાર્યક્રમના આભારવિધિ નવભારત ટાઇમ્સના નવીન પાંડેએ કરી હતી.






