જાણીતી અભિનેત્રી કરીના કપૂર હવે બોલિવૂડમાં પોતાની નવી ઓળખ બનાવી રહી છે. એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સના સહયોગમાં એક ફિલ્મનું નિર્માણ કરી રહી છે. જ્યારે દિગ્દર્શક છે સ્કેમ ૧૯૯૨ ફેમ હંસલ મહેતા.
મજાની વાત એ છે કે કરીનાએ તૈમુરને જન્મ આપ્યા બાદ એની પહેલી સુપરહિટ ફિલ્મ હતી વીરે દી વેડિંગ. તો બીજા પુત્રના જન્મ બાદ આ એની પહેલી ફિલ્મ હશે. યોગાનુયોગ બંને ફિલ્મો એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત છે.
યુકેમાં બનેલી સત્ય ઘટના પર આધારિત ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરાશે.
નિર્માત્રી બની રહેલી કરીના કહે છે કે, એકતા સાથે ફિલ્મમાં નિર્માત્રી તરીકે કામ કરવા ઉત્સાહિત છું. એકતાનાં પરિવાર સાથે અમારો વરસોનો સંબંધ છે. હું હંસલ મહેતાની ફિલ્મોની ચાહક છું અને તેમની સાથે પહેલીવાર કામ કરવું મારે માટે અનોખો અનુભવ હશે.
તો એકતા કપૂરનું કહેવું છે કે, કરીના કપૂર એ સ્ટાર પાવર અને ટેલેન્ટનું ડાયનામાઈટ કોમ્બિનેશન છે. અમે અગાઉ વીરે દી વેડિંગમાં સાથે કામ કર્યું હતું. કદાચ એ કોઈ મહિલા કલાકારની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. મને વિશ્વાસ છે કે દર્શકોને અમારાં બંનેનું કોમ્બિનેશન ફરી પસંદ પડશે.
ફિલ્મ સર્જક હંસલ મહેતાએ જણાવ્યું કે, કરીના સાથે એક મનોરંજક અને મૂડી થ્રિલર બનાવવી છે. અને મને આશા છે કે કરીના એની પ્રતિભાના જોરે ફિલ્મને એક નવી ઊંચાઈ પર લઈ જશે. એકતા અને કરીના બંને પાવરહાઉસ છે અને તેમની સાથે કામ કરવા ઉત્સુક છું.