બૉલિવુડમાં મોટા પ્રોડક્શન હાઉસ નવોદિતોના ભોગે સ્ટાર કિડ્સને વધુ મહત્વ આપતા હોવાના આક્ષેપો-ફરિયાદ ઘણા સમયથી થઈ રહી છે. તો રાજકારણમાં ય ઘરાનાશાહીની બોલબાલા ચાલી રહી છે અને એ બાબતે પણ પુષ્કળ રાજકારણ અને દલીલો થતી રહે છે. આ બે સિવાય પણ મેડિકલ, બિઝનેસ જેવા અનેક સેક્ટર છે જેમાં સંતાનોને જે-તે ધંધો વારસામાં મળતો હોય છે. પણ એક વ્યવસાય એવો છે જ્યાં નેપોટિઝમની બોલબાલા હોવા છતાં એ વિશે ખાસ ચર્ચા થતી નથી. એ છે ન્યાયપાલિકા. ભારત આઝાદ થયા બાદ ન્યાયપાલિકા પર અઢીસો-ત્રણસો પરિવારોનું જ આધિપત્ય રહ્યું છે.
જોકે હવે સમય આવી ગયો છે કે IAS, IRS, IFS, IPSની જેમ લીગલ સર્વિસ માટે પણ પરીક્ષા લેવામાં આવે એને એમાં ઉત્ત્રીર્ણ થનારને જ તેમની લાયકાત મુજબ સરકારી વકીલ કે જજ તરીકે નિયુક્ત કરવામાં આવે.
થોડા સમય પહેલાં ભાજપના સંસદ સભ્ય નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટે જ કાયદાઓ બનાવવા હોય તો સંસદ અને વિધાનસભાઓને બંધ કરી દેવા જોઇએ. એ સાથે તેમણે જસ્ટીસ સંજીવ ખન્નાને દેશમાં સિવિલ વૉર માટે જવાબદાર હોવાનું પણ કહ્યું. ભારતીય જનતા પાર્ટીએ નિશિકાંત દુબેના નિવેદનને તેમનો અંગત મત હોવાનું જણાવ્યું હોય પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયોની સાથે કોર્ટના જજની નિયુક્તિનો પ્રશ્ન ફરી એરણે ચઢ્યો છે.
થોડા સમય પહેલાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પણ ન્યાયપાલિકા અંગે તેમનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિએ પણ ઉચ્ચ ન્યાયપાલિકામાં મહિલાઓ અને અનુસૂચિત જાતિઓના નગણ્ય પ્રતિનિધિત્વ અંગે ટિપ્પણી કરી હોવાનું કુશવાહાએ જણાવ્યું. એ સાથે તેમણે ઉમર્યું કે, ન્યાયપાલિકામાં તમામ વર્ગોના પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવા માટે હાલના કૉલેજિયમ પ્રણાલીની સમીક્ષા કરવી જરૂરી છે. કારણ, દેશ આઝાદ થયા બાદ માત્ર 250-300 પરિવારોએ જ સુપ્રીમ કોર્ટમાં જજ મોકલ્યા છે.
ધ પ્રિન્ટ દ્વારા કરાયેલી તપાસમાં જણાયું છે કે સુપ્રીમ કોર્ટના ઓછામાં ઓછા 30 ટકા હાલના ન્યાયાધીશ પૂર્વ જજના સંબંધીઓ છે. અને અન્ય 30 ટકાના માતા-પિતા કે દાદા-દાદી વકીલ હોય. હાલ, સુપ્રીમ કોર્ટમાં 33 જજ છે, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા) સંજીવ ખન્ના પણ સામેલ છે. 33 જજમાંથી ઓછામાં ઓછા 10 પૂર્વ જજના નજીકના સંબંધીઓ છે, જ્યારે ઓટલી જ સંખ્યાના જજના પિતા વકીલ હતા. આ જાણકારી સાર્વજનિક રીતે ઉપલબ્ધ સંશાધનો અને સંબંધિત હાઇકોર્ટમાંથી લેવામાં આવી છે જ્યાંથી તેમની પદોન્નતિ કરવામાં આવી છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટના સ્રોતથી પણ લેવાઈ છે.
મજાની વાત એ છે કે જસ્ટીસ લોકુરને આ વાતનું આશ્ચર્ય નથી. તેમનું કહ્વું છે કે વારસાગત બધી જગ્યાએ હોય છે. મેડિકલ, બિઝનેસ, રાજનીતિ, બૉલિવુડ, સિવિલ સેવા વગેરે. જોકે ટકાવારી અલગ હોઈ શકે છે પણ આ હકીકત છે. જ્યારે વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહનું કહેવું છે કે, આ કોઈ આશ્ચર્યની વાત નથી. વિશેષાધિકાર વિશેષાધિકારને જન્મ આપે છે, જેને સામાન્યપણે વંશવાદી ઉત્તરાધિકારી કહેવામાં આવે છે. જોકે તેમનું કહેવું છે કે, ન્યાયપાલિકા એક સાર્વજનિક સેવા છે, કોઈ વ્યવસાયિક ધંધો નથી. એટલે આવું થવું ન જોઈએ.
જોકે કાનૂની સમુદાયમાં અંતર્સંબંધોની એક જટિલ જાળ હોવાનું પણ જણાય છે – પેઢીઓ અને કોર્ટમાં ફેલાયેલું એક નેટવર્ક. ઉદાહરણ તરીકે સુપ્રીમ કોર્ટના જજ મનોજ મિશ્રાની વાત કરીએ. તેમના દાદા અને પિતા બંને અલાહાબાદ કોર્ટના વરિષ્ઠ વકીલ હતા. તેમના ભાઈ અપૂલ મિશ્રા પણ વકીલ છે. જસ્ટીસ મિશ્રાનાં પત્ની અભિલાષા મિશ્રા એડવોક્ટ રાજીવ લોચન શુક્લાનાં કાકી છે, જેમને હવે અલાહાબાદ હાઇકોર્ટમાં પદોન્નતિ માટેની ભલામણ સુપ્રીમ કોર્ટે કરી છે. રાજીવ લોચન શુક્લા અલાહાબાદ હાઈ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ દિવંગત એમએન શુક્લાના પૌત્ર છે. જસ્ટીસ મિશ્રાના બે દીકરા રઘુવંશ અને દેવાંશ મિશ્રા વકીલાત કરે છે. અપુલ મિશ્રાનો દીકરો દેવવ્રત પણ વકીલ છે. રઘુવંશનાં લગ્ન અલાહાબાદ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટીસ વિપિન સિન્હાની દીકરી કલ્પના સિન્હા સાથે થઈ છે, જે પોતે એક વારસો લઈને આવ્યાં છે. જસ્ટીસ વિપિન સિન્હાના પિતા જસ્ટીસ જગમોહનલાલ સિન્હા હતા, જેમણે 1975માં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની ચૂંટણી અમાન્ય કરતો અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો આપ્યો હતો.
એ તો સર્વવિદિત છે કે સીજેઆઈ ખન્નાના કાકા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એચ. આર. ખન્ના હતા. જેમને 1976માં એડીએમ જબલપુર કેસમાં એક માત્ર અલગ ચુકાદો આપવા માટે જાણીતા છે. જેમાં કટોકટી દરમિયાન પણ વ્યક્તિગત સ્વતંત્રતાના સંરક્ષણ આપવા માટે દલીલ કરાઈ હતી.
આને પગલે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સરકારે તેમને બદનામ કર્યા હતા, એટલું જ નહીં જસ્ટીસ એમ.એચ. બેગને આગામી સીજેઆઈ ઘોષિત કર્યા હતા.જસ્ટીસ સંજીવ ખન્નાના પિતા ડી.આર.ય ખન્ના પણ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ હતા.
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પરઅપલોડ કરાયેલા બાયોડાટા થકી જાણવા મળે છે કે પહેલી પેઢીના વકીલ જે હાલ સુપ્રીમ કોર્ટના જજ છે, એમાં જસ્ટીસ નજીર, સૂર્યકાંત, એ. બૉસ, એએસ બોપન્ના, કૃષ્ણ મુરારી, એસઆર ભટ, વી રામ સુબ્રમણ્યમ, ઋષિકેશ રૉય, જે કે માહેશ્વરી, હિમા કોહલી અને એમએમ સુંદરેશ સામેલ છે.
સુપ્રીમ કોર્ટના હાલના જજમાંથી છના પિતા કાં તો સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના જજ રહી ચુક્યા છે. તાજેતરમાં નિવૃત્ત થયેલા સીજેઆઈ ડી વાય ચંદ્રચુડના પિતા વાય વી ચંદ્રચુડ ભારતના 16મા સીજેઆઈ હતા. જસ્ટિસ કે. એમ. જોસેફના પિતા કે કે મેથ્યુ 1971-76 સુધી સુપ્રીમ કોર્ટના જજ હતા. જસ્ટીસ સંજીવ ખન્નાના પિતા દિલ્હી હાઈકોર્ટના જજ હતા તો તેમના કાકા જસ્ટિસ એચ. આર. ખન્નાએ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના કટોકટીના આદેશની અવહેલના કરતા સીજેઆઈના પદથી વંચિત રહ્યા હતા. જસ્ટિસ બી. વી. નાગરન્ના (જેઓ 2027માં ભારતનાં પહેલાં સીજેઆઈ બની શકે છેના પિતા પૂર્વ સીજેઆઈ ઈ. એસ. વેંકટરમૈયા હતા જેઓ દસ વરસના ન્યાયાધીશના કાર્યકાળ દરમિયાન છ મહિના શીર્ષ પદ પર રહ્યા હતા. જસ્ટીસ પી, એસ. નરસિમ્હા અને સુધાંશુ ધુલિયા બંનેના પિતા હાઈકોર્ટમાં ન્યાયાધીશ હતા. સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશના પિતા વિખ્યાત વકીલ હતા એ છે એમ આર શાહ, એ. રસ્તોગી, દિનેશ માહેશ્વરી, એ. એસ. ઓકા, વિક્રમ નાથ અને જે. બી. પારડીવાલા.






