મીરા-ભાયંદર હજુ લેવલ-3માં છે અને અનેક પ્રતિબંધો હજુ અમલમાં હોવા છતાં સ્ટેશન પાસે હોય કે, શાંતિનગરમાં સેક્ટર 2, 3, 4, 6 વગેરેની માર્કેટમાં જાણે કોરોના ભૂતકાળની વાત હોય તેવી ભીડ જોવા મળી રહી છે.
રાજ્ય સરકારે ચાર વાગ્યા સુધી ધંધો કરવાની છૂટ કોવિડ-19 અંગેના તમામ નિયમોનું પાલન કરવાની શરતે આપી છે. કોવિડના નિયમો ન પાળનારા સામાન્ય લોકો પાસેથી દંડ વસુલવાનો આદેશ આપનારા મહાપાલિકાના અધિકારીઓ બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિના બેસતા ફેરિયાઓ સામે કાર્યવાહી કરતા કેમ અચકાય છે?
આટલું ઓછું હોય તેમ પહેલા લૉકડાઉન દરમ્યાન બનાવાયેલી ફૂટપાથ પણ ફેરિયાઓ કબજો જમાવી બેઠા છે. મજાની વાત (આઘાતજનક એમ સમજવું) એ છે કે મીરા રોડમાં જે વિસ્તારમાં ફેરિયાઓ બેઠા હોય છે એમાંના મોટાભાગના નો હૉકર્સ ઝોનમાં આવેલા છે.
સુપ્રીમ કોર્ટે જારી કરેલી ફેરિયાઓની ગાઇડલાઇનને તો પાલિકાના અધિકારીઓ ઘોળીને પી ગયા હોય એવું લાગે છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રસ્તાની એક સાઇડ પર લોકોને હેરાનગતિ ન થાય એ રીતે ફેરિયાઓને બેસાડવા જણાવ્યુ હતું. ઉપરાંત એક ફેરિયો એક ચોરસ મીટર કરતા વધુ જગ્યા રોકી શકતો નથી કે શેડ, છત્રી જેવી વસ્તુ રાખી શકતો નથી. પણ કારણ જે હોય તે, પાલિકા આ બધી બાબતો સામે આંખ આડા કાન કરતી હોય છે. તો સ્થાનિક નગરસેવકો પણ આ મામલે નિષ્ક્રિય હોવાનું જણાય છે.