થોડા મહિનાપૂર્વે ઘાટકોપરમાં વિશાળકાય હોર્ડિગ તૂટી પડવાની ઘટના બની હતી જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવી દુર્ઘટના બાદ પણ મુંબઈ મહાપાલિકા હોય કે મીરા ભાયંદરની મહાપાલિકા કોઈ પદાર્થપાઠ લેતી નથી. એનું તાજું ઉદાહરણ છે મીરા ભાયંદર ખાતે સિલ્વર પાર્ક વિસ્તારમાં આવેલા સાઈબાબા મંદિરની સામે જં રસ્તાની વચ્ચોવચ અને લાઈટના હાઇટેંશન વાયર નીચે લગાડેલું વિશાળ હોર્ડિંગ તાજેતરમાં તૂટી પડ્યું હતું. આમ છતાં હોર્ડિંગ જે કંપનીએ લગાવ્યું હતું એને બચાવવા ભ્રષ્ટ પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. એટલું જ નહીં, તૂટી પડેલા હોર્ડિંગને વચ્ચેથી કાપી પોલ સાથે ડિવાયડર પર મૂકી દેવામાં આવ્યું છે.
સદભાગ્યે, હોર્ડિંગ રસ્તા પર પડ્યું નહોતું. નહીંતર ઘાટકોપર જેવી દુર્ઘટના સર્જાઈ હોત તેવો આક્ષેપ આદિત્ય હોર્ડિંગ કમ્પનીના માલિક દિપક પાઠક દ્વારા કરાયો હતો. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે આ સાઇટ અગાઉ તેમની કંપનીને અપાઈ હતી. પરંતુ એક રાજકારણી સાથે સાથગાંઠ ધરાવતી કંપની સોલ્યુશનને મારા કરતા ઓછા ભાવે અપાયું હતું. આને કારણે પાલિકાને આર્થિક નુકશાનની સાથોસાથ મીરા ભાયંદરના નાગરિકોના જીવ સાથે પણ રમત થઈ રહી હોવાનો આક્ષેપ દિપક પાઠકે કર્યો હતો.
આ અંગે કમિશનર સંજયને પૂછવામાં આવતા તેમણે DMC આ ઘટનાની તપાસ કરશે તેમ કહી હાથ ખંખેરી નાખ્યા હતા. સોલ્યુશન કંપની દ્વારા સ્ટેશન પાસે એક વિશાળ ૫૫ ફૂટનું હોર્ડિંગ લગાડવાનું કામ શરૂ છે. જયારે પરવાનગી ૪૦ ફૂટની જં છે. તો શું મીરા ભાયંદર મહાપાલિકા પ્રશાસન કોઈ દુર્ઘટના બને અને લોકોનો ભોગ લે તેની રાહ જોઈ રહી છે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.