છેલ્લા ઘણા વરસોથી ઘાટકોપર રેલવે સ્ટેશનની બહાર આવેલા હીરાચંદ દેસાઈ માર્ગ, શ્રદ્ધાનંદ રોડ, ખોત લેન, એમ.જી. રોડ ખાતે અનધિકૃત ફેરિયાઓએ કબજ જમાવ્યો છે. એટલું જ નહીં, તેમની દાદાગીરીએ પણ માઝા મુકી છે. હવે ઘાટકોપરના રહેવાસીઓ એટલા હેરાન પરેશાન છે કે તેઓ અવારનવાર તેમની નારાજી વ્યક્ત કરી રહ્યા છે. તો વેપારી વર્ગ પણ ફેરિયાઓને કારણે ત્રસ્ત છે. હવે તેમનો આક્રોશ બહાર આવી રહ્યો છે.
હવે અનધિકૃત ફેરિયાઓને હંમેશ માટે હટાવવા ઘાટકોપરવાસીઓ એકત્ર આવ્યા છે. આના અંતર્ગત સૌપ્રથમ સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ત્યાર બાદ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને જબ્બર આવકાર મળ્યો હતો. આ બેઠકમાં ઘાટકોપર રેલવે સ્ટેશન વિસ્તારના દુકાનદારો, વેપારીઓ, આ વિસ્તારની સોસાયટીઓના રહેવાસીઓ સામેલ થયા હતા.
અનધિકૃત ફેરિયાઓને હટાવવાની માગણી માટે યોજાયેલી બેઠકમાં બસોથી વધુ વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ફેરિયાઓને હટાવવા માટે હવે પછી કેવી રણનીતિ અપનાવવી એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત હિંગવાલા લેનને પૂર્ણપણે ફેરિયા મુક્ત બનાવવાની સફળ લડત ચલાવનાર ઍડવોકેટ નિરંજન જગતા, પ્રવીણ છેડા, પ્રશાંત બઢે, દીપક છેડા, ખીમજીભાઈ છાડવાએ ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું.