યુક્રેનની કેદમાં રહેલા મોરબીના સાહિલ મજોઠીએ ભારત સરકાર પાસે મદદ માંગી, ભારતીયોને આપી ચેતવણી
રશિયા–યુક્રેન યુદ્ધ વચ્ચે ગુજરાતના એક યુવકની કરુણ સ્થિતિ સામે આવી છે. મોરબીનો 23 વર્ષીય યુવક સાહિલ મહંમદ હુસેન મજોઠી હાલ યુક્રેનની કેદમાં હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા એક વીડિયોમાં તેણે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાવુક અપીલ કરી છે કે તેને આ યુદ્ધમાંથી બચાવવામાં આવે.
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સાહિલ મજોઠી આ વર્ષે 10 જાન્યુઆરી 2024ના રોજ સ્ટુડન્ટ વિઝા પર રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ગયો હતો. તેણે ITMO યુનિવર્સિટીમાં “રશિયન લેન્ગ્વેજ એન્ડ કલ્ચર”નો અભ્યાસ શરૂ કર્યો હતો. પરંતુ રશિયામાં તેના જીવનમાં અચાનક મોટો વળાંક આવ્યો. આરોપ છે કે તે કોઈ પોલીસ કેસમાં ફસાયો, તેને જેલની સજા કરવામાં આવી અને ત્યારબાદ જબરદસ્તી યુદ્ધ મેદાનમાં મોકલવામાં આવ્યો.
ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં યુક્રેનિયન સત્તાવાળાઓ દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં સાહિલ યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરતો દેખાયો હતો. ત્યારબાદ હવે પરિવારને મળેલા બે નવા વીડિયો સંદેશાઓ—એક અંગ્રેજીમાં અને એક હિન્દીમાં—ખૂબ જ ચોંકાવનારા છે.
ભાવુક અપીલ અને ચેતવણી:
વિડિયોમાં સાહિલ કહે છે કે, “હાલ હું યુક્રેનમાં વોર ક્રિમિનલ તરીકે ફસાયો છું. ભવિષ્ય વિશે મને કશું ખબર નથી.” તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ માટે અપીલ કરતા સાથે ભારતના યુવાનોને ચેતવણી આપી કે રશિયામાં અભ્યાસ કે નોકરી માટે જતા પહેલા સ્કેમર્સથી સાવધાન રહેવું, નહીં તો ખોટા ગુનાઓમાં ફસાવાની શક્યતા છે.
આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચિંતા અને સંવેદના જગાવી છે.






