અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે દિલ્હી સરકારના કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમનો વિવાદ પણ ગુજરાત પહોંચ્યો છે. સમગ્ર ગુજરાતમાં હિન્દુ વિરોધી અરવિંદ કેજરીવાલના હૉર્ડિંગ્સ અને બેનર લગાવવામાં આવ્યા છે. એમાં કેજરીવાલના મુસ્લિમ ટોપી પહેરેલા ફોટા સાથે લખ્યુ છે હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું. તો બીજા પોસ્ટરમાં દિલ્હીમાં આયોજિત બૌદ્ધ ધમ્મ દીક્ષા કાર્યક્રમમાં જે બોલાયું એ જણાવ્યું છે. ધર્માંતરણના આ મેગા કાર્યક્રમ અંગે ભાજપ શુક્રવારથી આક્રમક છે.

ગુજરાતમાં શુક્રવારે ભાજપના નેતાઓએ પ્રેસ કૉન્ફરન્સ કરી કેજરીવાલને આડે હાથ લેવાની સાથે રાજેન્દ્ર પાલની પ્રધાન પદેથી હકાલપટ્ટી કરવાની માગણી કરી હતી. ગુજરાતમાં આ મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આવી રહ્યા છે. કેજરીવાલ બપોરે દોઢ વાગ્યે દાહોદમાં એક સભાને સંબોધ્યા બાદ સાંજે વડોદરામાં તિરંગા યાત્રામાં સામેલ થશે. તેમની સાથે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંતસિંહ માન પણ ઉપસ્થિત રહેશે.
વડોદરા ખાતે સાંજે ચાર વાગ્યે તિરંગા યાત્રાની શરૂઆત થશે. શહીદ ભગત સિંહ ચોકથી કીર્તિ સ્તંભ સુધીની તિરંગા યાત્રામાં કેજરીવાલ સામેલ થશે. આ અગાઉ જેટલીવાર કેજરીવાલ વડોદરા આવ્યા છે ત્યારે વિવાદ થયો છે. છેલ્લી મુલાકાત દરમિયાન એક પાર્ટી પ્લૉટ ખાતે શિક્ષા સંવાદનું આયોજન કર્યું હતું, ત્યારે પણ ભારે વિવાદ થયો હતો. જોકે કેજરીવાલ અને ભગવંત માન પહેલીવાર જાહેરમાં સામાન્ય લોકોની વચ્ચે આવવાના હોવાથી પ્રશાસન એરલ્ટૉ મોડમાં છે.






