બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કર્યા બાદ શરૂઆતના બે દાયકાથી વધુ સમય સુધી શિવસેનાનો ઉમેદવાર ક્યારેક અપક્ષ, તો ક્યારે ઢાલ-તલવાર, એન્જિન જેવા ચિન્હ પર લડતો હતો. જોકે પાછળથી ધનુષ્યબાણ એટલે શિવસેના એવું પ્રતિપાદિત થયું હતું.
આજે શિવસેનાના બંને જૂથને ચૂંટણી પંચે આપેલા વચગાળાના આદેશને પગલે ધનુષ્યબાણનો ઉપયોગ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. ચૂંટણી પંચ અંતિમ સુનાવણીમાં શું ચુકાદો આપશે એના પર હવે સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે. જોકે ધનુષ્યબાણ ચિન્હનો ઇતિહાસ શું કહે છે એ જાણીએ.
1968માં યોજાયેલી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી સમયે શિવસેનાએ એક સરઘસ કાઢ્યું હતું, જેમાં શિવસૈનિક લહુ આચરેકર શ્રી રામ બન્યા હતા તો આર્થર ડિસોઝા નામનો કાર્યકર્તા લક્ષ્મણ બન્યો હતો. રામ-લક્ષ્મણ ધનુષ્યબાણ સાથે હતા. ભવિષ્યમાં શિવસેના ચિન્હ તરીકે ધનુષ્યબાણ અપનાવે એવો સંકેત આપવાનો પ્રયાસ હોઈ શકે.
લક્ષ્યનું અચૂક નિશાન સાધે એ ધનુષ્યબાણ. શિવસેના પક્ષ તરીકે રાજકીય હિલચાલ પણ આવું અચૂક નિશાન તાકશે એવું જણાવવા શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ ધનુષ્યબાણ પર પસંદગી ઉતારી હોવાનું કહેવાય છે.
તો શિવસેનાને રાજકીય પક્ષ તરીકેની માન્યતા અપાવનાર પરભણી જિલ્લો છે. એટલે પરભણી જિલ્લામાં શિવસેનાનું વિભાજન અમે નહીં કરીએ એમ પરભણીના સાંસદ બંડુ જાધવે શિંદે જૂથ છૂટૂં પડ્યું ત્યારે કહ્યું હતું. એ સાથે તેમણે ધનુષ્યબાણ ચિન્હનો ઇતિહાસ પણ જણાવ્યો હતો.
1989માં શિવસેના રાજ્યમાં લોકસભાની ચૂંટણી લડી હતી. એ સમયે પરભણીના શિવસેનાના ઉમેદવાર હતા સ્વ. અશોકરાવ દેશમુખ. તેમને ધનુષ્યબાણ ચિન્હ મળ્યું હતું. જ્યારે સંભાજીનગરમાં મોરેશ્વાર સાળવેને મશાલ ચિન્હ ફાળવાયું હતું. તેમને મશાલ ચિન્હ ફાળવવામાં આવ્યું હતું. એ સમયે શિવસેનાને પક્ષનું અધિકૃત ચિન્હ મળ્યું નહોતું. પણ પરભણીમાં વિજય મળ્યા બાદ શિવસેનાને ધનુષ્યબાણ ચિન્હ કાયમી ધોરણે ફાળવવામાં આવ્યું. 1968માં યોજાયેલી મુંબઈ મહાપાલિકાની ચૂંટણી શિવસેનાએ 42 બેઠકો પર વિજય મળ્યો હતો. અને 1985માં મુંબઈ મહાનગરપાલિકા પર ભગવો ધ્વજ લહેરાવ્યો.