વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો વહેલી તકે અમલમાં મુકાય એ માટેના પ્રયાસો શરૂ થયા છે. ગાંધી આશ્રમમાં આવેલા મકાનો ખાલી કરાવવા ત્યાંના ભાડૂઆતોને આકર્ષક ઑફરો થઈ રહી છે. જાણવા મળ્યા મુજબ જેમને ઘર ન જોઇતું હોય તો સરકારે તેમને 60 લાખ રૂપિયા આપવાની ઑફર કરી છે. આશ્રમમાં 200 પરિવારો છે અને તેમને જો સરકાર 60 લાખ રૂપિયાના હિસાબે પૈસા ચુકવે તો 120 કરોડ રૂપિયાની જોગવાઈ કરવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલના સ્ટેચ્યુ ઑફ યુનિટીની જેમ ગાંધીજીના સાબરમતિ આશ્રમને પણ વિશ્વના ફલક પર મુકવા માગે છે. થોડા દિવસ અગાઉ અમદાવાદ આવેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધી આશ્રમ પ્રોજેક્ટ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
અમિત શાહની મુલાકાત તંત્ર સક્રિય થયુ છે. બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે.કૈલાશનાથને પણ આશ્રમની મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધી આશ્રમની સામેની બાજુ 200થી વધુ આશ્રમવાસીઓના ભાડેથી રહે છે. સરકારની ઑફર મુજબ જેમને ઘર જોઇતા હશે તેમને સરકારી આવાસ અપાશે. અને જેઓ ઘર ખાલી કરવા તૈયાર છે અને સરકારી આવાસ જોઇતું ન હોય તો તેમને 60 લાખ રૂપિયાની ઑફર કરવામાં આવી છે. આથી કેટલાંક આશ્રમવાસીઓ સરકારની રોકડની ઑફર સ્વીકારવા તૈયાર થયા હોવાનું જાણવા મળ્યું છે. જો સરકારની ઑફર આશ્રમમાં રહેતા ભાડૂઆતો સ્વીકારે તો ટૂંક સમયમાં તેમને ઘર કે ચેક વિતરણના કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.