નાગિન-3 ફૅમ અભિનેતા પર્લ વી પુરી પર બળાત્કારનો ગુનો નોંધાયા બાદ અનેક સેલિબ્રિટીઝ એના બચાવમાં આગળ આવી છે. એમાં સૌથી પહેલું નામ એકતા કપૂરનું લેવાય છે. એવામાં એકતા કપૂર અને છોકરીની માતા વચ્ચે થયેલી કથિત વાતચીતની એક ઑડિયો ક્લિપ લીક થઈ છે. આ ઑડિયો ક્લીપમાં બંને આ મામલે જ વાતચીત કરી રહી છે. એકતા કપૂરની ઑડિયો ક્લીપ વાયરલ થવાની સાથે ઉહાપોહ મચી ગયો. એકતા કપૂર બાદ દિવ્યા ખોસલા કુમારે પણ આ મામલામાં જંપલાવ્યું છે.
વાયરલ થયેલી ઑડિયો ક્લીપમાં એકતા કપૂર છોકરીની માતાને બધા સમક્ષ હકીકત જણાવવાનો આગ્રહ કરે છે. પર્લ પર કરાયેલા આક્ષેપો ખોટા હોવાનું છોકરીની માતા કહી રહી છે. એમાં એકતા સ્પષ્ટપણે કહે છે કે, આ આ મામલામાં તો છોકરીનું નામ બદનામ થઈ રહ્યુ છે. એ સાથે પર્લ પર એની અવળી અસર થઈ રહી છે. આ ઑડિયો ક્લીપમાં છોકરીની માતાએ અનેક મોટા ખુલાસાઓ કર્યા છે. ઉપરાંત એમાં પર્લને ફસાવવામાં આવી રહ્યો હોવાનું પણ છોકરીની માતાએ જણાવ્યું હતું.
એકતા કપૂરની આ ઑડિયો ક્લીપ વાયરલ થયા બાદ અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારે પણ નવો ખુલાસો કર્યો છે. એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કરવાની સાથે પોસ્ટ લખી છે જેમાં એણે લખ્યુ છે, હું અમુક વ્.ક્તિનો તમને પરિચય કરાવું છું. આ વ્યક્તિનું નામ છે અનિલ ડોડે અને મહિલા એકતા શર્મા એક અભિનેત્રી છે. અનિલ ડોડે એજ વ્યક્તિ છે જેણે પર્લ વી પુરી પર પાંચ વરસની બાળકીનું શોષણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. એનું કહેવું છે કે, આ બધું બેપનાહ પ્યાર સિરિયલના સેટ પર બન્યું હતું. બે વરસ અગાઉ બાલાજી ટેલિફિલ્મ્સે એનું નિર્માણ કર્યુ હતું. અનિલ અને એકતા હવે છૂટા થયા છે અને તેઓ દીકરીની કસ્ટડી માટે લડી રહ્યા છે.
અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારે વધુમાં જણાવ્યુ હતું કે, છેલ્લા બે વરસથી છોકરી એના પિતા અનિલ સાથે રહે છે. પત્ની એકતા શર્મા વિરૂદ્ધ ફરિયાદ નોંધવતી વખતે એણે જણાવ્યુ હતું કે એકતા શૂટિંગ પર જતી વખતે છોકરીને સાથે સેટ પર જાય છે ત્યારે મુખ્ય ભૂમિકા ભજવતો અભિનેતા એનું શોષણ કરે છે. એટલે છોકરી એની માતા પાસે સુરક્ષિત નથી. એ સાથે દિવ્યાએ લખ્યું હતું, મને એવું લાગે છે કે આ સ્ટોરી માટે અનિલ ડોડેને ફિલ્મફેરનો બસ્ટ સ્ક્રીનપ્લે અવૉર્ડ મળવો જોઇએ.
દિવ્યાએ વધુમાં જણાવ્યુ કે, હવે પોલીસે પર્લની ધરપકડ કરી છે… મારે એ જાણવું છે કે 2019માં જ્યારે આ ગુનો નોંધાયો હતો ત્યારે પર્લની ધરપકડડ કેમ કરવામાં આવી નહોતી? કારણ એમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જ્યારે છોકરીનું શોષણ થયું ત્યારે એ તેની માતા સાથે હતી. એફઆઈઆરમાં પર્લનું નામ ક્યાંય નથી. વાયરલ થયેલી ઑડિયો ક્લીપમાં છોકરીની માતા સ્પષ્ટપણે કહે છે કે છોકરીના પિતાની માનસિક હાલત સારી નથી. એણે એકતા શર્માને અનેકવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ કર્યો છે. એ અંગેના અનેક પુરાવા પણ છે. એણે સ્પષ્ટપણે કહ્યુ છે કે એમાં પર્લ દોષી નથી અને સેટ પર આવી કોઈ ઘટના બની નથી.