હૃદયરોગીનું હૈયું ચીરવાનું હોય કે કેન્સરગ્રસ્ત શરીરનો હિસ્સો કાઢવાનો હોય, સર્જ્યનનો હાથ જરાય ધ્રુજતો નથી. તેમના મગજમાં એક જ વિચાર ચાલતો હોય છે કે ઓપરેશન સફળ થાય અને દરદી સાજો-નરવો થઈને ઘરે જાય. પણ આજ ડૉક્ટરના દિલમાં પણ માનવતાની હેલી વરસતી હોય છે. દરદીનું દુખ હળવું થાય એ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. એનું જ્વલંત ઉદાહરણ છે કે.એલ. રાહેજા ફોર્ટિસમાં સારવાર લઈ રહેલી કવિતા જયસ્વાલ. ઓપરેશન બાદ કવિતાનો પચાસમો જન્મદિવસ આવતો હોવાથી ડૉક્ટરોએ દરદને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું. ડૉક્ટર્સે કેક મગાવી અને દરદીના અંગત સંબંધી અને વૉર્ડના કર્મચારીઓની ઉપસ્થિતિમાં કવિતાનો પચાસમો જન્મદિવસ ઉજવ્યો.
મુંબઈમાં રહેતાં કવિતા જયસ્વાલને પચીસ વરસ પહેલાં કેન્સરનું નિદાન થયું હતું. જોકે ત્વરિત સારવારને પગલે મહારોગ કન્ટ્રોલમાં આવ્યો. પરંતુ પચીસ વરસ બાદ રોગે ફરી માથું ઉચક્યું. કવિતાને થયેલા સ્તન અને ગ્રાસનળીના કેન્સરનો એક માત્ર ઇલાજ ઓપરેશન જ હતો. એટલે 29 જુલાઈના મુંબઈ સ્થિત એસ.એલ. રાહેજા ફોર્ટિસ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું.
હોસ્પિટલના સર્જિકલ ઑન્કોલૉજિસ્ટ ડૉ. કીર્તિ ભૂષણે બ્રેસ્ટ અને એસોફેઝિયલે ઓપરેશન કર્યું. સાત કલાક ચાલેલું ઓપરેશન સફળ રહ્યું. જ્યારે ડૉ. સુરેશ અડવાણી (સિનિયર મેડિકલ ઑન્કોલૉજિસ્ટ) અને ડૉ. શિવમ શિંગલા (ડેડિકેટેડ મેડિકલ ઑન્કોલૉજિસ્ટ)એ કીમો થેરેપી કરી હતી. પચાસ વરસનાં કવિતા જયસ્વાલે ફરી કેન્સરને માત આપી. મજાની વાત એ હતી કે કેન્સરને બે-બે વખત માત આપનાર કવિતાએ તેમનો પચાસમો જન્મદિવસ હોસ્પિટલમાં ઉજવ્યો.