દરશકોની ડિમાન્ડ પર સિક્સર મારવામાં માહેર
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી સલીમ દુરાનીનું રવિવારે સવારે જામનગર ખાતે અવસાન થયું છે. 88 વર્ષના દુરાની કેન્સરથી પીડિત હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સલીમ દુરાની અફઘાનિસ્તાનમાં જન્મ્યા હતા પણ વરસો સુધી ભારતીય ક્રિકેટ ટીમ વતિ રમ્યા હતા. એટલું જ નહીં, સલીમ દુરાની પહેલા ભારતીય ક્રિકટર છે જેમને 1960માં અર્જુન અવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા. ઉપરાંત તેમને 2011માં બીસીસીઆઈ દ્વારા સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.

સલીમ દુરાનીએ ભારત વતિ 29 ટેસ્ટ મેચ રમ્યા હતા અને કુલ 1202 રન બનાવ્યા હતા. તેમણે કરિયર દરમિયાન 1202 રન બનાવ્યા જેમાં એક સદી અને સાત અર્ધસદી સામેલ છે. ઉપરાંત તેમણે 75 વિકેટ પણ લીધી હતી. જ્યારે પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં તેમણે ગુજરાત, રાજસ્થાન અને સૌરાષ્ટ્રની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 14 સેન્ચુરીની સાથે 33.37ની સરેરાશ સાથે 8545 રન બનાવ્યા હતા.
11 ડિમ્બર, 1934ના અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલા સલીમ દુરાની આઠ મહિનાના હતા ત્યારે પરિવાર કરાચીમાં આવીને વસ્યો હતો. જોકે 1947માં દેશના ભાગલા થયા ત્યારે દુરાની પરિવાર ભારતમાં આવી જામનગર ખાતે વસ્યો હતો. સલીમ દુરાનીએ 60-70ના દાયકામાં તેમના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સને કારણે વિખ્યાત હતા. એટલું જ નહીં, તેઓ આક્રમક બેટિંગ અને દર્શકોની ફરમાઇશ પર સિક્સ મારવા માટે ઘણા જાણીતા હતા.

1961-62માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની જીતના સલીમ દુરાની હીરો હતા. તેમણે કોલકાતા અને ચેન્નઈમાં અનુક્રમ 8 અને 10 વિકટ લઈ ભારતની જીતમાં સિંહફાળો આપ્યો હતો. ઉપરાંત 1971માં પોર્ટ ઑફ સ્પેન ખાતે ક્લાઇવ લૉઇડ અને ગેરી સોબર્સ જેવા ધુરંધર ખેલાડીઓ ધરાવતી વેસ્ટ ઇન્ડીઝની ટીમ વિરુદ્ધ ભારતને મળેલી પહેલી જીતમાં પણ કુલ સાત વિકેટ લઈ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
દુરાની દર્શકોમાં એટલા પ્રિય હતી કે 1973માં કાનપુર ટેસ્ટમાં પડતા મુકાતા દર્શકો ઉશ્કેરાઈ ગયા હતા અને નો દુરાની નો સ્ટથી સ્ટેડિયમ ગજવ્યું હતું. સલીમ દુરાનીએ તેમની છેલ્લી ટેસ્ટ મેચ 1973માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ મુંબઈમાં રમ્યા હતા.
આ મેચ બાદ તેમણે ક્રિકેટથી સન્યાસ લીધો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્રી કરી. દુરાની જૂનાગઢથી મુંબઈ આવી બૉલિવુડ ગજવનાર અભિનેત્રી પરવીન બાબી સાથે ચરિત્ર ફિલ્મમાં હીરો તરીકે ચમક્યા હતા. બી. આર. ઇશારા દિગ્દર્શિત ફિલ્મના અન્ય કલાકારો હતા ગૌતમ સરીન, મનમોહન ક્રિશ્ના, અમોલ સેન અને આસિત સેન.