વરસોથી ગાંધી પરિવારનો ગઢ ગણાતી રાયબરેલી અને અમેઠી પર કૉંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. રાયબરેલીથી ચૂંટણી લડતાં સોનિયા ગાંધીએ ચૂંટણી લડવાનું જોખમ લેવાને બદલે વાયા રાજ્યસભા સંસદ જવાનું પસંદ કર્યું. જ્યારે રાહુલ ગાંધી અમેઠીનો હાથ છોડી ફરી વાયનાડ પહોંચ્યા છે.
રાયબરેલી અને અમેઠીના ઉમેદવારની ચર્ચા ચાલી રહી છે ત્યારે એક મજેદાર ઇન્ટરવ્યુ જોવા મળ્યો. સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ એક ઇન્ટરવ્યુમાં અમેઠીથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રોબર્ટ વાડ્રાએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, જો હું સંસદ સભ્ય બનવાનો નિર્ણય લઈશ તો અમેઠીથી ચૂંટણી લડવાનું પસંદ કરીશ. કારણ, અમેઠીના લોકોની ઇચ્છા છે કે હું તેમનું પ્રતિનિધિત્વ કરું. વરસો સુધી ગાંધી પરિવારે રાયબરેલી અને અમેઠીના વિકાસ માટે અથાક પ્રયાસ કર્યા છે. પરંતુ અમેઠીના નાગરિકો વર્તમાન સંસદ સભ્ય (સ્મૃતિ ઇરાની)થી ઘણા પરેશાન છે. અમેઠીવાસીઓને એવું લાગી રહ્યું છે કે તેમને જીતાડીને ભૂલ કરી છે. હવે તેમને લાગી રહ્યું છે કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય ચૂંટણી લડે. અને તેઓ મારી તરફ આશાભરી મીટ માંડીને બેઠા છે.
2014માં રાહુલ ગાંધી અમેઠીથી જીત્યા હતા પરંતુ 2019માં ભાજપનાં સ્મૃતિ ઇરાની સામે હારી ગયા. જ્યારે સોનિયા ગાંધી 2014 અને 2019માં રાયબરેલીથી જીત્યાં હતાં પણ આ વખતે તેમણે સંસદમાં જવા રાજ્યસભાનો માર્ગ પસંદ કર્યો.