હાઇ કોર્ટે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાના કેસમાં સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડની જામીન અરજી નકારી કાઢી હતી. મુંબઈમાં રહેતી સામાજિક કાર્યકર્તાને ગુજરાત હાઇકોર્ટે તાત્કાલિક સરેન્ડર થવા કહ્યું છે. 2002ના ગુજરાતના તોફાનોમાં વડા પ્રધાનને ક્લીન ચીટ મળ્યા બાદ સેતલવાડ પર ખોટી રીતે પુરાવા ઊભા કરવાનો આક્ષેપ છે. આરોપ કરવામાં આવ્યો છે કે વડા પ્રધાનને ફસાવવા અને બદનામ કરવાના ઇરાદાથી આમ કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસે તીસ્તા સેતલવાડ વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યા બાદ 25 જૂન, 2022ના ધરપકડ પણ કરી હતી.
ગુજરાત પોલીસે ધરપકડ કર્યા બાદ તીસ્તાએ મહિનાઓ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. જોકે સપ્ટેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે તીસ્તાને જામીન આપ્યા હતા. એ સાથે ગુજરાત હાઇકોર્ટ જામીન અરજી પર નિયમિત સુનાવણી શરૂ ન કરે ત્યાં સુધી તીસ્તાને એનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કેસની તપાસમાં તપાસકર્તા એજન્સીને સહયોગ આપવા પણ જણાવ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ નિર્જર દેસાઈએ સેતલવાડની જામીન અરજી નકારી દીધી અને એને તુરંત આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આપેલા આદેશમાં જણાવ્યું છે કે, અરજદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા વચગાળાના જામીન પર જેલ બહારછે, ટલે એણે તુરંત આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવે છે. કોર્ટના આદેશ બાદ સેતલવાડના વકીલે સુપ્રીમ કોર્ટમાં આદેશ વિરુદ્ધ અરજી કરવા 30 દિવસની મુદત માગી હતી એ પણ નકારી દેવાઈ.
Comments 1