મહારાષ્ટ્રના સત્તાસંઘર્ષ અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો હજુ આવવાનો બાકી છે ત્યાં અચાનક કેન્દ્રિય ચૂંટણી પંચે આપેલા નિર્ણય બાદ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓ અને કાર્યકરોને શું કરવું એ સૂઝતું નથી. ચૂંટણી પંચે શિવસેના નામ અને ધનુષ બાણ ચિન્હ એકનાથ શિંદે જૂથને આપતા ઉદ્ધવ જૂથમાં જાણે ધરતી કંપ આવ્યો. પક્ષનું નામ અને ચિન્હ બંને ગુમાવતા ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરો હતપ્રભ થઈ ગયા. તો શિંદે જૂથના સમર્થકોએ સમગ્ર મહારાષ્ટ્રમાં દિવાળી આવી હોય તેમ ઉજવણી કરી. ક્યાંક ઉદ્ધવ-એકનાથ જૂથના કાર્યકરો વચ્ચે વિવાદ પણ થયો. અનેક સ્થળે શિવસેનાના કાર્યાલય પર કબજો લેવા શિંદે જૂથના કાર્યકરો પહોંચી ગયા. મુંબઈ મહાપાલિકા અને વિધાન ભવનના શિવસેના કાર્યાલય પર શિંદે જૂથે દાવો કર્યો છે. અને હવે મુંબઈનું શિવસેના ભવન કોનું એની ચર્ચાએ જોર પકડ્યું છે.
દાદરમાં આવેલું શિવસેના ભવન એટલે શિવસેનાનું મુખ્યાલય. આ કાર્યાલય શિવાઈ ટ્રસ્ટની માલિકીનું હોવાથી એનો કબજો ઉદ્ધવ ઠાકરે પાસે જ રહેશે. શિવસેના ભવન આ મકાન પક્ષના નામે ન હોવાથી શિંદે જૂથનો એના પર અધિકાર નહીં હોય. આ મિલકત શિવાઈ ટ્રસ્ટના નામે હોવાથી પક્ષનો એના પર કોઈ અધિકાર નથી. ઉપરાંત પક્ષના મુખપત્ર સામના પ્રબોધન પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવતું હોવાથી પક્ષનો એના પર કોઈ અધિકાર નથી. એટલે એમ કહી શકાય કે શિવસેના ભવન અને મુખપત્ર સામના પર માત્ર ઉદ્ધવ ઠાકરેનો જ અધિકાર રહેશે.