બંને જૂથને અલગ નામ અને ચિન્હ ફાળવવામાં આવશે
શિવસેનાના ધનુષબાણના ચિન્હ અંગે શિદે અને ઠાકરે જૂથ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ચૂંટણી પંચે વચગાળાનો આદેશ આપ્યો છે.
ચૂંટણી પંચે શનિવાર, ૮ ઓક્ટોબરના આપેલા વચગાળાના આદેશમાં જણાવ્યું છે કે અંધેરી પૂર્વની વિધાનસભાની પેટા ચૂંટણીમાં બંને જૂથમાંથી એક પણ ધનુષબાણ ચિન્હનો ઉપયોગ કરી શકશે નહીં. તેમણે અલગ ચિન્હ પસંદ કરવું પડશે
શિંદે અને ઠાકરે જૂથે ૧૦ ઓક્ટોબર સુધીમાં નવા ચૂંટણી ચિન્હ અને તેમના પક્ષ અંગેની જાણકારી આપવી પડશે.
અંધેરી પૂર્વની પેટા ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની હોવાથી શિંદે જૂથ દ્વારા ચૂંટણી પંચને વિનંતી કરતા પંચે વચગાળાનો આદેશ આપ્યો હતો.
જોકે શિવસેનાના ઠાકરે જૂથ પ્રત્યે નિષ્ઠા ધરાવનાર વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ મુંબઈમાં જણાવ્યું કે, ચૂંટણી પંચે પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી વચગાળાનો આદેશ આપવાને બદલે અંતિમ નિર્ણય આપવો જોઈતો હતો. આ તો અન્યાય કહેવાય.
બંને જૂથ દ્વારા મળેલી જાણકારી મુજબ કેન્દ્રિય ચૂંટણી પંચ બંને જૂથને અલગ અલગ નામ અને ચૂંટણી ચિન્હ ફાળવશે. આગામી પેટા ચૂંટણીમાં બંને જૂથ એ નામે અને ચિન્હ પર ચૂંટણી લડી શકશે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથે શિવસેનાના ચૂંટણી ચિન્હ પર દાવો કરવાની સાથે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. પંચે શનિવાર સુધીમાં જવાબ આપવાનો સમય આપ્યો હતો. શિંદે જૂથે અંધેરીની પેટા ચૂંટણી પહેલાં ચિન્હ ફાળવવાની વિનંતી કરી હતી. એ સાથે ધનુષબાણ ચિન્હ તેમને ફાળવવાની પણ માગણી કરી હતી.