શિવસેના કોનીનો ચુકાદો આજે ચૂંટણી પંચે આપ્યો છે. એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નામ અને ધનુષ બાણનું ચિન્હ ફાળવવામાં આવ્યું છે. કેન્દ્રિય ચૂંટણી પંચે આ અંગેનો આદેશ જારી કર્યો છે. આ ચુકાદો ઉદ્ધવ ઠાકરે માટે મોટા આંચકા સમાન છે. કેન્દ્રિય ચૂંટણી પંચે શુક્રવારે સાંજે આ ચુકાદો આપ્યો હતો જેમાં એકનાથ શિંદે જૂથને ધનુષ બાણ ચિન્હની સાથે શિવસેનાનું નામ પણ ફાળવ્યું હોવાનું સ્પષ્ટપણે લખ્યું છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં આઠ મહિના પહેલા મોટો ધરતી કંપ આવ્યો હતો. એકનાથ શિંદેએ શિવસેના પક્ષના 40 વિધાનસભ્યો સાથે બળવો પોકાર્યો હતો. એકનાથ શિંદે તમામ બળવાખોર વિધાનસભ્યોને લઈ સુરત અને ત્યાંથી ગુવાહાટી ગયા હતા. ત્યાર બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી.
એકનાથ શિંદેએ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે મળી સત્તા હાસલ કરી હતી. આ ઘટના બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ કેન્દ્રિય ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટમાં ગયું હતું. છેલ્લા આઠ મહિનાથી આ મામલે સુનાવણી થઈ રહી હતી. ચૂંટણી પંચમાં આ મુદ્દે દલીલો પૂરી થઈ હોવાથી કોઈ પણ ઘડીએ નિર્ણય આવે એવી શક્યતા હતી. એ મુજબ આજે સાંજે ચૂંટણી પંચે ચુકાદો જાહેર કર્યો હતો. ચૂંટણી પંચના આજના ચુકાદાને કારણે ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો લાગ્યો છે.
2018માં શિવસેના પક્ષના બંધારણમાં કરાયેલા ફેરબદલ અંગેની જાણકારી ચૂંટણી પંચને જણાવવામાં આવી નહોતી. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ 1999માં બનાવેલા પક્ષના બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એ અંગેની જાણકારી ચૂંટણી પંચને આપવાની સાથે મંજૂરી પણ મેળવી હતી. પરંતુ 2018માં કરાયેલા ફેરફાર અંગે ચૂંટણી પંચને જણાવવામાં આવ્યું નહોતું.
2018માં શિવસેના પક્ષે કરેલા પક્ષના બંધારણમાં કરેલા ફેરફાર લોકશાહી સાથે સુસંગત ન હોવાનું નિરીક્ષણ ચૂંટણી પંચે કર્યું હતું. પક્ષમાં આંતરિક ચૂંટણી કર્યા વગર પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. આને કારણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ ચૂંટણી પંચનો વિશ્વાસ ગુમાવ્યો હતો.
આ તો ખોખાનો વિજય – સંજય રાઉત
ચૂંટણી પંચનો નિર્ણય અપેક્ષિત હતો. ચૂંટણી પંચ હોય કે અન્ય તપાસ યંત્રણા, કોઈના ગુલામની જેમ વર્તી રહી છે. પૈસાના જોરે બાળાસાહે ઠાકરેની શિવસેના અને ચિન્હ ખરીદી શકાતું હોય તો લોકશાહી પરનો વિશ્વાસ ઊઠી જાય છે. ખોખાનો ઉપયોગ કયાં સુધી થાય છે એ જોવા મળી રહ્યું છે, એવી પ્રતિક્રિયા શિવસેનાના સાંસદ સંજય રાઉતે આપી હતી.