એક સાથે અનેક મોટા બૅનરમાંથી પડતો મુકાતા કાર્તિક આર્યનના ચાહકો હતાશામાં સરી પડ્યા હતા. પણ હવે ફરી તેમનો ચિયર ટાઇમ શરૂ થયો છે. કાર્તિક એક પછી એક ફિલ્મો સાઇન કરી રહ્યો છે. થોડા દિવસ પહેલાં નડિયાદવાલાની ફિલ્મ સત્યનારાયણ કી કથાની જાહેરાત થઈ હતી જેમાં કાર્તિક રોમાન્સ કરતો જોવા મળશે. હવે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે દિગ્દર્શક હંસલ મહેતાની આગામી ફિલ્મની જાહેરાત થઈ છે, જેમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે. આજે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મમાં કાર્તિક પાયલટની ભૂમિકામાં જોવા મળશે.

રૉની સ્ક્રુવાલા અને હર્મન બાવેજા દ્વારા નિર્મિત કેપ્ટન ઇન્ડિયા ઍક્શન ડ્રામા ફિલ્મ છે. જાણવા મળ્યા મુજબ હર્મન બાવેજા પણ ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર ભજવવાનો છે. સત્યઘટનાથી પ્રેરિત ફિલ્મ યુદ્ધમાં ઘેરાયેલા ભારતના સૌથી મોટા રેસ્ક્યુ મિશન પર આધારિત છે.
ફિલ્મ અંગે કાર્તિક કહે છે કે, કેપ્ટન ઇન્ડિયા એક પ્રેરણાત્મક ફિલ્મ છે. દેશના એક ઐતિહાસિક પ્રસંગ વિશે જાણવા મળ્યું અને એ સાથે એના પરથી બની રહેલી ફિલ્મનો હિસ્સો બન્યો એનો મને ગર્વ છે. 2022માં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.






