રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજરી બાદ મળી રાહત,
હવે 10 જુલાઈએ થશે આગળની સુનાવણી
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને શિકોહપુર લેન્ડ ડીલ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી જામીન મળ્યા છે. આ કેસ લાંબા સમયથી રાજકીય અને કાનૂની ચર્ચાનો વિષય રહ્યો છે, ત્યારે કોર્ટના આ નિર્ણયે ફરી એકવાર દેશની રાજનીતિમાં ગરમાવો લાવ્યો છે.
કોર્ટએ રોબર્ટ વાડ્રાને 50 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમના શ્યોરિટી બોન્ડ પર જામીન મંજૂર કર્યા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટ પર કોર્ટએ સંજ્ઞાન લીધા બાદ વાડ્રાને સમન્સ પાઠવવામાં આવ્યા હતા, જેના અનુસંધાનમાં તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા.
સુનાવણી દરમિયાન વાડ્રાના વકીલે દલીલ કરી હતી કે તેમના ક્લાયન્ટની ક્યારેય ધરપકડ કરવામાં આવી નથી, તેથી જામીનને લઈને કોઈ મોટો પ્રશ્ન ઊભો થતો નથી. બીજી તરફ EDએ કોર્ટને જણાવ્યું કે મામલાની આગળની તપાસ અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવશે. હવે આ કેસની આગામી સુનાવણી 10 જુલાઈએ થશે.
કોર્ટ બહાર મીડિયા સાથે વાત કરતાં રોબર્ટ વાડ્રાએ કહ્યું કે તેમને દેશની ન્યાયવ્યવસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેઓ તપાસમાં સતત સહકાર આપતા રહેશે. સાથે જ તેમણે ED સરકારના દબાણ હેઠળ કામ કરતી હોવાનો આક્ષેપ પણ કર્યો.
ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામના શિકોહપુર જમીન સોદા મામલે EDએ મની લોન્ડ્રિંગ અને આર્થિક ગેરરીતિના ગંભીર આરોપો લગાવ્યા છે, જેને કારણે આ કેસ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.






