માતા સરસ્વતી – શારદાના પાવન દિવસ, વસંત પંચમીની સોહામણી સાંજે ભુજના આંગણે કચ્છ અને કચ્છીયતના રંગે રંગાયેલા એક અનોખા પુસ્તકનો રસાસ્વાદનો સમારંભ યોજાશે.
મુંબઈ સ્થિત જાણીતા લેખક અને પત્રકાર પ્રફુલ શાહે કચ્છના પત્રકાર વિપુલ વૈદ્યના ચાર દાયકાના ખેડાણના આધારે લખેલી પ્રથમ ડોક્યુ નોવેલ કચ્છ ફાઈલનો રસાસ્વાદ કાર્યક્રમ ૧૪ ફેબ્રુઆરના બુધવારે સાંજે ૬.૩૦ કલાકે હોટલ વિરામના પ્રાંગણમાં યોજાશે. કચ્છના પીઢ પત્રકાર અને કચ્છમિત્રના પૂર્વ તંત્રી કીર્તિભાઈ ખત્રીના અધ્યક્ષ સ્થાને યોજાનારા સમારંભના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ સાંસદ અને વરિષ્ઠ આગેવાન પુષ્પદાન ગઢવી, અતિથિ વિશેષ પદે કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખીલ પંડ્યા, દિવ્ય ભાસ્કરના તંત્રી નવીન જોશી, નિવૃત્ત ડી.વાય.એસ.પી. દિલીપ અગ્રાવત, દેશની નંબર વન રીડિંગ ઍપ ‘માતૃ ભારતી’ – અમદાવાદના સી.ઈ.ઓ. મહેન્દ્ર શર્મા રહેશે. લેખક પ્રફુલ શાહ અને કથા નાયક વિપુલ વૈદ્ય ઉપસ્થિત રહી પ્રતિભાવ આપશે .રણ, રહસ્ય અને રોમાંચથી પ્રચુર કચ્છ ફાઈલનો રસાસ્વાદ જાણીતા પત્રકાર – લેખક સુનિલ માંકડ કરાવશે જ્યારે સંચાલન જાણીતા લેખિકા જાગૃતિ વકીલ કરશે.
આ અવસરે ૪0 થી વધુ પુસ્તકો આપી ચૂકેલા પ્રફુલ શાહના નવા પુસ્તક ‘સો પૂરા ને માથે એક’ નું વિમોચન પુષ્પદાન ભાઈ અને કીર્તિ ભાઈના હસ્તે થશે , આ કાર્યક્રમમાં એક સરપ્રાઈઝ પણ રખાયું છે. ઉલ્લેખનિય છે કે આ પૂર્વે અમદાવાદમાં ‘કચ્છ ફાઈલ’નું ભવ્ય વિમોચન પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું હતું . ભુજના કાર્યક્રમના આયોજક વી.આર.ટી.આઈ. – વિવેકગ્રામ પ્રકાશકના ગોરધનભાઈ પટેલ ‘કવિ’ એ કચ્છના સાહિત્ય પ્રેમીઓ, કલમનવેશો અને સર્વે નાગરિકોને કાર્યક્રમમાં આવવા ઇજન પાઠવ્યું છે.