વેબ સિરીઝ વાત વાતમાં અને થિયેટર પહેલા રિલીઝ થયેલી સર્વ પ્રથમ ગુજરાતી ડિજીટલ ફિલ્મ સ્વાગતમ બાદ હવે શેમારૂમી પોતાની નવી પોલિટિકલ થ્રિલર વેબ સિરીઝ ષડયંત્ર રિલીઝ કરવા તૈયાર છે.
ષડ્યંત્ર – આ વેબ સિરીઝમાં ગુજરાતી અને હિન્દી રંગભૂમિ, ટી.વી. અને ફિલ્મોના ખૂબ જ જાણીતા, દિગ્ગજ અને મંજાયેલા કલાકારો, રોહિણી હટંગડી, અપરા મહેતા, વંદના પાઠક, શ્રીનુ પરીખ, વિશાલ ગાંધી, પરીક્ષિત તમાલીયા, અનુરાગ પ્રપન્ન, દીપક ઘીવાલા અને ફિરોઝ ભગતના અભિનયની જુગલબંદી જોવા મળશે. વેબ સિરીઝના લેખક છે બાબુલ ભાવસાર.
પન્નાબેન (અપરા મહેતા) છેલ્લા 15 વર્ષથી એક સફળ CM તરીકે ફરજ બજાવી રહ્યાં છે. જે વિપક્ષી જ નહીં પણ સત્તાધારી પક્ષના નેતાઓને ખૂંચે છે. સફળતા અને જીતનો રસ્તો ક્યારેય સરળ નથી હોતો અને આ વેબ સિરીઝમાં ઘણાં ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે મનોરંજનનો ખજાનો છે. ષડ્યંત્ર એક પ્રભાવશાળી પોલિટિકલ ફૅમિલી ડ્રામા પણ છે જે દર્શકોને ચોક્કસથી ગમશે.
ષડ્યંત્ર વેબ સિરીઝના લૉન્ચિંગ પ્રસંગે નિર્દેશક ઉર્વીશ પરીખે જણાવ્યું કે, ષડ્યંત્ર પહેલી ગુજરાતી વેબ સિરીઝ છે જેમાં આટલા દિગ્ગજ અને પ્રભાવશાળી કલાકારો એકસાથે કામ કરી રહ્યા છે. આ મહામારીમાં કોવિડના નિયમોને ધ્યાનમાં રાખીને અમારી પ્રોડક્શન ટીમે સફળતાપૂર્વક વેબસિરીઝનું નિર્માણ કર્યું છે એ વાતની મને ખુશી છે. વેબ સિરીઝ 24 જૂનથી શેમારૂમી OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.
રોહિણી હટંગડી વેબસિરીઝના તેમનાં પાત્ર વિષે જણાવતા કહે છે કે, ષડયંત્રમાં સહભાગી થઈ એનો મને ઘણો આનંદ છે. મેં મારી કરિયર દરમ્યાન ઘણા પાત્રો ભજવ્યાં છે પરંતુ વાસંતીબેનનું પાત્ર ભજવવાનો આનંદ અનેરો રહ્યો. મને ખાતરી છે દર્શકો વેબ સિરીઝને પસંદ કરશે.
અપરા મહેતાનું કહેવું છે કે, ઘણાં બધા ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથેની પોલિટિકલ થ્રિલર વેબ સિરીઝ ષડયંત્ર એક ફિલ્મ જોયાનો અનુભવ કરાવશે. પન્નાબેનનું પાત્ર દર્શકોને ચોક્કસ ગમશે. મારી દર્શકોને નમ્ર અપીલ છે કે ષડયંત્ર જોવાનું ચૂકશો નહીં.
વંદના પાઠકે વેબસિરીઝ ષડયંત્રમાં ખૂબ જ મહત્વનું પાત્ર ભજવ્યું છે. તેમનું કહેવું છે કે, શેમારૂમી સાથેનો મારો આ ખૂબ જ અનોખો પ્રોજેક્ટ રહ્યો છે. દર્શકોને વેબસિરીઝ ષડયંત્રના બધા જ પાત્ર ગમશે. હું મારા ફૅમિલી સાથે વેબ સિરીઝ જોવા માટે ઉત્સુક છું.
દીપક ઘીવાલા આનંદની લાગણી સાથે કહે છે કે, ષડ્યંત્ર એ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને હું આ ફૅમિલીનો પાર્ટ બનીને ખૂબ ખુશ છું. ષડયંત્ર એટલી રસપ્રદ છે કે એના બધા જ એપિસોડ 24 જૂને એક સાથે જોવાનું પંસદ કરીશ. તમે પણ જોવાનું ચૂકતા નહીં.






