નરેન્દ્ર મોદી સરકારે જ્યારે ઑનલાઇન પેમેન્ટની સુવિધાની શરૂઆત કરીત્યારે કૉંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે સરકારની મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું કે ભારતમાં ઇન્ટરનેટના ઠેકાણા નથી, અનેક ગરીબોના બેન્ક અકાઉન્ટ નથી તો ગરીબ ફેરિયાઓ, મજૂરો ડિજિટલ પેમેન્ટ કેવી રીતે કરી કે લઈ શકશે? પણ ઑનલાઇન પેમેંન્ટની શરૂઆત થયાના થોડા વરસોમાં જ સરકારની દીર્ઘ દૃષ્ટિના ઉદાહરણો જોવા મળી રહ્યા છે. આજે ચાની ટપરીથી લઈ શાકભાજીવાળા હોય કે ખાણીપીણીનો સ્ટૉલ ધારકો, ઑનલાઇન પેમેન્ટ સ્વીકારતા થયા છે.
ડિજિટલ પેમેન્ટના કારણે ધૂમ કમાણી કરતા ફેરિયાઓની અધધ આવકની જાણકારી હવે બહાર આવવા લાગી છે. આનું એક ઉદાહરણ છે તમિલનાડુનો પાણીપુરીવાળો. આ મહાશયે એક વરસમાં ચાલીસ લાખ રૂપિયા કરતા વધુનું પેમેન્ટ યુપીઆઈ દ્વારા મેળવ્યું હતું. આને પગલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ડિપાર્ટમેન્ટે એને નોટિસ મોકલાવી હતી. પાણીપુરીવાળાની રેઝરપે અને ફોનપેની રસીદનું ત્રણ નાણાકીય વરસ ટ્રેક કરવામાં આવી. ત્યાર બાદ કથિતપણે ટીએનજીએસટી અને સીજીએસટી અધિનિયમ 2017 અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું.
નોટિસ અનુસાર પાણીપુરાના ફેરિયાએ 2023-24ના નાણાંકીય વરસ દરમિયાન 40,11,019 રૂપિયાનો ધંધો કર્યો હતો. આને પગલે ફેરિયો જીએસટી રજિસ્ટ્રેશન અધિકારીના રડાર પર આવ્યો હતો. પાણીપુરીવાળાનું વાર્ષિક ટર્નઓવર જીએસટીના રજિસ્ટ્રેશન માટે જરૂરી ન્યૂનતમ રકમ કરતા બમણું હતું. નિયમ મુજબ જીએસટીમાં નોંધણી કરાવ્યા વિના વસ્તુઓ કે સેવા પૂરી પાડવી એ એક અપરાધ છે. જેને માટે સંબંધિત કલમો હેઠળ દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં દસ હજાર રૂપિયા કે ચુકવવાના નીકળતા ટેક્સની રકમના 10 ટકામાંથી જે વધારે હોય એ દંડ પેટે ચુકવવા પડે છે.