શું ચીન અમેરિકામાં જૈવિક હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે? આ સવાલ એટલા માટે ઉપસ્થિત થયો કે અમેરિકામાં બે ચીની નાગરિકને ખતરનાક જૈવિક ફંગસની દાણચોરીના આરોપસર ધરપકડ કરી છે. ભારતીય મૂળના એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલે મંગળવારે (સ્થાનિક સમયાનુસાર) આ વાતની જાણકારી આપી હતી. બંને ચીની નાગરિક ફ્યુસેરિયમ ગ્રેમેનેરમ નામની ખતરનાક ફંગસની અમેરિકામાં દાણચોરી કરી રહ્યાં છે. આ ફંગસ એટલી ખતરનાક છે કે અમેરિકાની કૃષિ અર્થવ્યવસ્થાના પાયા ધ્રુજાવી દે.

ડેટ્રોઇટ સ્થિત અમેરિકી કોર્ટેમાં બંને ચીની નાગરિકો 33 વર્ષીય યુનકિંગ જિયન અને 34 વર્ષીય જુનયોંગ લિયૂ વિરુદ્ધ ગંભીર અપરાધિક મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમના વિરુદ્ધ ષડયંત્ર રચવા, ગેરકાયદે ખતરનાક સામગ્રી અમેરિકામાં લાવવી, ખોટા નિવેદન આપવા અને વિઝામાં છેતરપીંડી જેવા ગંભીર આરોપો છે. જોકે સૌથી ભયાનક વાત એ છે કે દાણચોરીથી લવાયેલી વસ્તુ એક ખતરનાક ફંગસ છે. ફ્યુસેરિયમ ગ્રેમિની (Fusarium graminearum) નામની આ ફંગસ ઊભા મોલને બરબાદ કરી દે છે.
મિશિગન ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના એટર્ની ઑફિસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે ફ્યુસેરિયન ગ્રેમિની કોઈ સાધારણ ફંગસ નથી, પણ વૈજ્ઞાનિક એને કૃષિ આતંકવાદના સંભવિત હથિયાર માને છે. આ ફંગસ પાકમાં હેડ બ્લાઇટ નામક બીમારી ફેલાવે છે જેને કારણે ઘઉં, ડાંગર, જવ અને મકાઈ જેવા મુખ્ય પાકનો નાશ થાય છે. દર વરસે આ ફંગસ દુનિયાભરમાં અબજો ડૉલરનું નુકસાન કરે છે. એનાથી પેદા થતાં ટૉક્સિન્સ માણસો અને જાનવરો માટે જીવલેણ બની શકે છે. એના કારણે ઉલટી, લીવરને નુકસાન પહોંચી શકે છે. ઉપરાંત પ્રજનન શક્તિ પર પણ અવળી અસર જોવા મળે છે. એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે પણ ચીની નાગરિકોની ધરપકડ થઈ હોવાનું જણાવ્યું છે.
કાશ પટેલે જણાવ્યું કે જિયાન ચીની કમ્યુનિસ્ટ પાર્ટીને વફાદાર છે અને એને ચીની સરકાર તરફથી ફંડિંગ પણ મળ્યું છે. એટલું જ નહીં, ચીનમાં આ ફંગસ પર સંશોધન કરવા માટે ચીનની સરકાર તરફથી ફંડ પૂરૂં પડાયું હતું. જિયાનના બૉયફ્રેન્ડ જુનયોંગ લિયૂ પર પણ આ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે. જુનયોંગ એક ચીની યુનિવર્સિટીમાં આ ફંગસ પર સંશોધન કાર્ય કરે છે.
ધરપકડ પહેલા લિયૂ ખોટું બોલ્યો હતો પણ પાછળથી કબુલ્યું હતું કે એણે ડેટ્રોઇટ મેટ્રોપોલિટન ઍરપોર્ટથી ફ્યુસેરિયમ ગ્રેમિનેરમની દાણચોરી કરી હતી. એ મિશિગન યુનિવર્સિટીમાં એડમિશન લેવાના પ્રયાસો કરી રહ્યો હતો. જિયાન અને લિયૂ પર કાવતરું ઘડવું, અમેરિકામાં દાણચોરી કરવી, ખોટા નિવેદન આપવા અને વિઝાની છેતરપીંડી સહિત અનેક આરોપ છે.






