અગિયાર વરસમાં ૧૧૧ કરોડ પ્રવાસીઓની હેરાફેરી
૮ જૂન, ૨૦૧૪ના મુંબઈ મેટ્રો વનની શરૂઆત થયાના માત્ર અગિયાર વરસમાં જ ૧૧૧ કરોડ (૧.૧ અબજ) કરતાં વધુ પ્રવાસીઓએ એનો લાભ લઈ ચુક્યા છે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત શરૂ થયેલો વર્સોવા-અંધેરી-ઘાટકોપર કૉરિડોર વિશ્વસનીય, કુશળ સંચાલન અને પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા ધરાવતો શહેરનો જ નહીં ભારતનો પહેલો મેટ્રો પ્રોજેક્ટ છે.
અગિયારમી વરસગાંઠના અવસરે મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડે અનેક સીમાચિન્હો સર કર્યા છે. આ સમયગાળા દરમિયાન ૧૨.૬ લાખ કરતા વધુ ટ્રેન ટ્રિપની સાથે ૧.૪૫ કરોડ કિલોમીટરનું અંતર કાપ્યું છે. જ્યારે ટ્રેનોની નિયમિતતા ૯૯.૯૯ ટકા જેટલી રહી છે.
પ્રવાસીઓની સંખ્યાની વાત કરીએ તો ૩૦ કરોડ પ્રવાસીઓ સાથે ઘાટકોપર ચાર્ટમાં સૌથી ઉપર છે. ત્યાર બાદ અંધેરી (૨૩ કરોડ), સાકી નાકા (૧૧ કરોડ)નો નંબર આવે છે. આ રૂટ પર કામકાજના દિવસો દરમિયાન રોજ લગભગ પાંચ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે જેમાં એકદિવસનો રેકૉર્ડ ૫.૪૭ લાખ પ્રવાસીઓનો છે.
મુંબઈ મેટ્રો વનને અન્ય મેટ્રો લાઇન સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય પણ કરવામાં આવ્યું છે. જેમાં ડીએન નગર ખાતે લાઇન ૨-એ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર લાઇન ૭ અને મરોલ નાકા ખાતે લાઇન ૩ સાથે સાંકળી લેવાતા પ્રવાસીઓની સુવિધામાં અનેકગણો વધારો થયો છે. અન્ય મેટ્રો લાઇ સાથે થયેલા જોડાણને કારણે પ્રવાસના સમયમાં ઘટાડો થવાની સાથે શહેરનો પ્રવાસ સુવિધાજનક બન્યો છે.
છેલ્લા થોડા વરસો દરમિયાન મેટ્રો વનને 40થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. જેમાં ભારત સરકારનો પ્રવાસીઓને સર્વશ્રેષ્ઠ સેવા પૂરી પાડવા માટે અર્બન મોબિલિટી ઈન્ડિયા અવૉર્ડ (૨૦૨૪), iNFHRA અવૉર્ડ જે પરિવહનમાં નવીનતા લાવવાની સાથે ગ્રીન કમ્યુટિંગ માટે અપાય છે.






