અમેરિકાના ઇન્ડિયાના સ્ટેટમાં આવેલી પર્ડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વીસ વર્ષીય ભારતીય મૂળના કચ્છી વિદ્યાર્થી વરુણ મનીષ છેડાની એ રહેતો હતો એ હોસ્ટેલમાં હત્યા કરવામાં આવી હતી. મળતા અહેવાલો મુજબ, વરુણના કોરિયાઈ રૂમમેટની ધરપકડ કરવામાં આવી છે. જોકે હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.

અમેરિકામાં જેની હત્યા કરવામાં આવી એ વરુણ મનીષ છેડા અને એનો હત્યારો જી મિન શા
પોલીસના જણાવ્યા મુજબ વરુણ મનીષ છેડા પરિસરના પશ્ચિમી કિનારે આવેલા મેક્કચિયન હૉમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. હત્યાના આરોપમાં યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થિની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પર્ડ્યુ યુનિવર્સિટીના પોલીસ વડા લેસ્લી વિએતે પત્રકારોને જણાવ્યું હતું કે, કોરિયાના જુનિયર સાબર સિક્યોરિટી મેજર અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જી મિન જિમી શાએ વરુણનું મૃત્યુ થયું હોવા અંગેની જાણકારી આપતો ફોન કર્યો હતો. જોકે ફોનમાં શું વાતચીત થઈ એની જાણકારી પોલીસે આપી નહોતી. અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મેક્કચિયન હૉલના પહેલા માળે આવેલી એક રૂમમાં ઘટી હતી. જાણવા મળ્યા મુજબ બુધવારે અનેક લોકોએ વરુણની ચીસો સાંભળી હતી. વરુણ છેડા યુનિવર્સિટીમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરી રહ્યો હતો.
પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલ મુજબ છેડાનું મૃત્યુ અનેક તીક્ષ્ણ હથિયારના
ઘાને કારણે થયું હતું. ન્યુઝ એજન્સીના અહેવાલ મુજબ, ચીફ વિએટે કહ્યું કે તેમનું માનવું છે કે હુમલો કોઈ પણ ઉશ્કેરણીજનક કારણ વગર કરાયો હતો.
વરુણની હત્યાનો વિરોધ કરવા યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા.
જ્યારે અન્ય બનાવમાં કેલિફોર્નિયા ખાતે અપહરણ કરાયેલો ભારતીય મૂળનો પરિવાર મૃત અવસ્થામાં મળી આવ્યો
કેલિફોર્નિયાની મર્સિડ કાઉન્ટીથી અપહરણ કરાયેલા ભારતીય મૂળના આઠ મહિનાનાં બાળક, એના માતા-પિતા અને કાકા મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. ચારેય સોમવારથી લાપતા હતા. અત્યાર સુધીમાં અપહરણ મામલે 48 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરાઈ છે.
મર્સિડ કાઉન્ટી શેરિફ વર્ન વાર્નકેએ ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે, આ ભયાનક અને દુખદ ઘટના છે. મળતા અહેવાલ મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિ સર્વિલાન્સ વિડિયોમાં દેખાતી હતી. વિડિયોમાં એક શખસ પરિવારને જબરજસ્તી ટ્રકમાં લઈ જતો જોઈ શકાય છે.

આઠ મહિનાની બાળકી, એના માતા-પિતા જસલીન કૌર અને જસદીપ સિંહ તથા કાકા અમનદીપ સિંહ સોમવારથી લાપતા હતા. આને પગલે તેમના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મર્સિડ કાઉન્ટી શેરિફ વર્ન વાર્નકેએ કહ્યું કે ધરપકડ કરાયેલી વ્યક્તિને 2005માં સશસ્ત્ર ધાડ સહિત અન્ય કેસમાં દોષી જાહેર કરાયો હતો. પરંતુ શક્યતા એવી છે કે આ કાર્ય એણે અન્યોની સહાયથી કર્યું હશે.
અધિકારીઓએ કહ્યું કે એક ખેડૂતને સોમવારે પીડિતોના બે સેલ ફોન રસ્તા પર મળી આવ્યા હતા.
જસદીપ અને અમનદીપના માતા-પિતા ડૉ. રણધીર સિંહ અને કૃપાલ કૌર મૂળ હોશિયારપુરના ગામ હરસી પિંડના રહેવાસી છે.






