બૉલિવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોર્ન ફિલ્મનું નિર્માણ કરી અમુક મોબાઇલ ઍપ પર સ્ટ્રીમ કરી હોવાના મામલે નોંધાયેલા ગુના સબબ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હોવાનું મુંબઈ પોલીસ કમિશનર હેમંત નગરાળેએ જારી કરેલી પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું.
મઢ બીચ પરના એક બંગલામાં ફેબ્રુઆરી 2021ના દરોડો પાડી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મ અને વેબ સિરીઝ બનાવવાના રૅકેટનો ભંડાફોડ કર્યો હતો. એ સમયે અભિનેત્રી ગહના વશિષ્ઠ સહિત ડઝનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે રાજ કુન્દ્રાને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યો હતો. પૂછપરછ બાદ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રા આ પોર્ન ફિલ્મના નિર્માણ અને એની રિલીઝનો મુખ્ય સૂત્રધાર હોવાના પુરાવા હોવાનો દાવો મુંબઈ પોલીસે કર્યો હતો. ફિલ્મ અને વેબ સિરીઝ માટે ફાઇનાન્સ પણ પૂરૂં પાડ્યું હોવાનો આક્ષેપ કુન્દ્રા પર લગાવાયો છે.
દરમ્યાન, રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મ બનાવવાના રૅકેટમાં સંડોવાયો હોવાનું બહાર આવતા ઇન્ડસ્ટ્રીમાં ઉહાપોહ મચી ગયો હતો. આ અગાઉ પણ આઇપીએલ સટ્ટાબાજી મામલે રાજ કુન્દ્રાનું નામ બહાર આવ્યું હતું. આ મામલે રાજસ્થાન રૉયલ્સ ટીમને પણ તપાસનો સામનો કરવો પડ્યો હતો.
ઉપરાંત, ગયા વરસે ભારદ્વાજ બ્રધર્સ દ્વારા કરાયેલા બે હજાર કરોડ રૂપિયાના બિટકોઇન સ્કૅમમાં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ રાજ કુન્દ્રાની પૂછપરછ કરી હતી.
વેબ સિરીઝ, શોર્ટ ફિલ્મ તથા ટીવી સિરિયલ્સમાં કામ અપાવવાના નામે યુવતીઓના પોર્ન વિડિયો બનાવતી પ્રોડક્શન કંપની ચલાવવાના આરોપ હેઠળ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં મઢ બીચ ખાતે આવેલા બંગલા પર દરોડો પાડી પોલીસે પોર્ન પ્રોડક્શન કંપનીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે દરોડો પાડ્યો ત્યારે અશ્લીલ વિડિયોનું શૂટિંગ ચાલી રહ્યુ હતું. પોલીસે બંગલામાંથી બૉલિવુડ સાથે સંબંધ ધરાવતા અભિનેતા, ફૅશન ડિઝાઇનર અને કેમેરામેનની ધરપકડ કરી હતી. હિન્દી અને તેલુગુ ફિલ્મ અને ખાસ કરીને જાહેરાતમાં ઝળકેલી ગહના વસિષ્ઠ પણ એમાં સામેલ હોવાનું જણાતા એની પણ ધરપકડ કરવામાં આવી હતી. દરોડા બાદ પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી હતી. અશ્લીલ ફિલ્મ અને વેબ સિરીઝ બનાવવા માટે રાજ કુન્દ્રા ફાઇનાન્સ કરતો હોવાનો શક પોલીસને હતો. આ મામલે નક્કર પુરાવા હાથ લાગ્યા બાદ કુન્દ્રાની ધરપકડ કરાઈ હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
Comments 1