મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે શુક્રવાર-શનિવારની રાત્રે થયેલા ભયાનક રોડ અકસ્માતમાં 25 પ્રવાસીઓના મૃત્યુ પામ્યા હતા, જ્યારે આઠ લોકોનો આબાદ ઉગરી ગયા હતા. અકસ્માત બુલઢાણા જિલ્લાના દુસરબીડ અને સિંદખેડ રાજા વચ્ચે પિંપલખુટા શિવાર ખાતે સમૃદ્ધિ હાઇવે પર થયો હતો.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. એ સાથે એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. ભીષણ અકસ્માત અંગે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો.
અકસ્માત બાદ મહારાષ્ટ્રમાં રાજકારણે જોર પકડ્યું હતું. શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે સમૃદ્ધિ મહામાર્ગને શાપિત ગણાવ્યો હતો. જ્યારે એમઆઈએમના ઇમ્તિયાઝ જલીલે અકસ્માત માટે સીધા એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને જવાબદાર ગણ્યા હતા. તેમનું કહેવું છે કે આ અકસ્માત નથી પચીસ લોકોની હત્યા છે.

દુર્ઘટનામાં બચી ગયેલી વ્યક્તિના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના મધરાતે લગભગ દોઢ વાગ્યે બની હતી. પોલીસ અને સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, નાગપુરથી ઔરંગાબાદ રૂટ પર, બસ પહેલા જમણી બાજુના લોખંડના પોલ સાથે અથડાઈ અને પછી બે લેન વચ્ચેના કોંક્રિટ ડિવાઈડર સાથે અથડાઈને ડાબી બાજુએ પલટી ગઈ, જેના લીધે બસનો દરવાજો નીચે દબાઈ જતા પ્રવાસીઓ માટે બહાર નીકળવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો. અકસ્માત બાદ બસની ડીઝલની ટાંકી ફાટતા બસમાં આગ લાગી હોવાની આશંકા છે.
જે લોકો બચી ગયા તેમના જણાવ્યા મુજબ હાથ વડે બારીના કાચ તોડી શક્યા તેઓ જ બહાર નીકળવામાં સફળ રહ્યા. બસમાં 33 મુસાફરો હતા, પોલીસ 26 મૃતદેહ બહાર કાઢ્યા છે. જે મૃતદેહોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે.
બસનું ટાયર ફાટવાને કારણે અકસ્માત થયો – ડ્રાઈવર
બુલઢાણાના ડીએસપી બાબુરાવ મહામુનીએ જણાવ્યું કે, બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર 33 મુસાફરોને લઈને જતી બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
બુલઢાણાના એસપી સુનીલ કડાસેને જણાવ્યું કે બસમાં કુલ 33 લોકો સવાર હતા, જેમાંથી 25 લોકોના મોત થયા અને 8 લોકો ઘાયલ થયા. બસનો ડ્રાઈવર બચી ગયો અને કહ્યું કે ટાયર ફાટ્યા બાદ બસ પલટી ગઈ, જેના કારણે બસમાં આગ લાગી હતી.






