એટાથી ટૂંડલા જતી પેસેન્જર ટ્રેનને ગામડામાં રહેતી વૃદ્ધાએ એની સૂઝબૂઝથી અટકાવી મોટી દુર્ઘટના ટાળી હતી. તૂટેલા ટ્રેકને જોઈ એણે પોતાની લાલ સાડી ફરકાવી, જેને જોઈ લોકો પાયલટે ટ્રેન અટકાવી. પાટાને રિપેર કર્યા બાદ અડધા કલાકે ટ્રેન રવાના થઈ હતી.
ઉત્તર પ્રદેશ પોલીસના સતીશ કૌશિકે આ સમગ્ર ઘટના ટ્વીટર પર પોસ્ટ કરી હતી. ઘટના ગુરુવારે સવારના લગભગ આઠેક વાગ્યાની છે. વહેલી સવારે ખેતરમાં કામ પર જઈ રહેલી ઓમવતી (58)ને હાલ્ટ સ્ટેશનથી લગભગ સો મીટરના અંતરે પાટા ક્રોસ કરતી વખતે પાટો તૂટેલો જોયો. ઓમવતીનું ઘર સ્ટેશન પાસે જ હોવાથી એને જાણ હતી કે આ સમયે એટા-ટૂંડલા પેસેન્જર ત્યાંથી પસાર થાય છે. એટલે એ તુરંત એણે પહેરેલી લાલ સાડી કાઢી અને પાટા પર બાંધી અને ટ્રેન જે દિશાએથી આવવાની હતી ત્યાં આગળ વધી. થોડા સમયમાં ટ્રેનને આવતી જોઈ ઓમવતીએ લાલ કપડું લહેરાવ્યું. ટ્રેન ચાલકે લાલ કપડું જોઈ તુરેત ઇમર્જન્સી બ્રેક મારી ટ્રેન અટકાવી. ઓમવતીએ તૂટેલો પાટો બતાવતા લોકો પાયલટે એની જાણકારી અધિકારીઓને આપતા તુરંત ટુકડી આવી અને રિપેરિંગ શરૂ કર્યું. અડધા કલાક બાદ ટ્રેન રવાના થઈ.
ટ્રેન અટકાવનાર સાહસિક મહિલા ઓમવતી અને એના પુત્ર ધર્મેન્દ્રના કહેવા મુજબ તેમને જાણ હતી કે લાલ ઝંડો જોખમની નિશાની છે. ગામમાં પણ સાંભળતા આવ્યા છીએ કે લાલ ઝંડો દાખવવાથી ટ્રેન રોકી દેવાય છે. ઓમવતીએ કહ્યું કે, સદભાગ્યે મેં લાલ સાડી પહેરી હતી. મેં તુરંત સાડી કાઢી લાકડીના સહારે પાટા પર ફરકાવી. સાડી બાંધેલી જોઈ તુરંત ટ્રેન અટકાવી અને મોટી દુર્ઘટના ટળી.