ભાયંદર પૂર્વ ખાતે આવેલી પ્લેસમેન્ટ એજન્સીએ વિદેશમાં નોકરી મેળવવા માગતા ચારસો કરતા વધુ નોકરી વાંચ્છુકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરી છે. એજન્ટોએ ઉમેદવારોને દક્ષિણ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં સારા પગારવાળી નોકરી અપાવવાની ખાતરી આપી હતી. પોલીસે જે ત્રણ એજન્ટોની ધરપકડ કરી છે એમાં સાહિલ શેખ, નસરુલ્લા અહમદ શેખ અને સુરુચિ મદમેરાનો સમાવેશ થાય છે.
નોકરી વાંચ્છુકોને તેમની સાથે છેતરપીંડી થઈ હોવાની ત્યારે જાણ થઈ જ્યારે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમના ગંતવ્ય સ્થાને જવા પહોંચ્યા ત્યારે, અધિકારીઓએ જણાવ્યું કે તેમની ટિકિટ અમાન્ય છે અને એજન્ટોએ પહેલાથી જ રિફંડ માગ્યું છે. ઉપરાંત, જે એજન્ટોએ એરપોર્ટ પર નોકરી ઇચ્છુકોને મળીને કાયદેસર વિઝાની સાથે પાસપોર્ટ આપવાનો વાયદો કર્યો હતો તેઓ પણ આવ્યા નહોતા. ત્યાર બહાદ પીડિતોએ નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પીડિતોમાંના એક, પંજાબના સુજાનપુરના 38 વર્ષીય પવન સિંહે કહ્યું કે, એ જેસીબી ઓપરેટર હતો અને જાન્યુઆરી 2024માં એજન્ટોએ એના માટે દક્ષિણ આફ્રિકામાં આકર્ષક નોકરીની ઑફર સાથે સંપર્ક કર્યો. સિંહને મુંબઈ આવવા અને વિઝા તથા ટિકિટ માટે પાસપોર્ટ સહિત અન્ય ઓળખપત્રો જમા કરાવવા જણાવ્યું. ગયા અઠવાડિયે સિંહને ફોન આવ્યો કે એનો વિઝા આવી ગયો છે અને ટિકિટ પણ બુક થઈ ગઈ છે. અને એના માટે 79 હજાર રૂપિયા ચુકવવા પડશે.
સિંહે જેવા ઑનલાઇન પૈસા ચુકવ્યા કે એને મુંબઈ એરપોર્ટ આવવા જણાવ્યું અને કહ્યું કે ત્યાં જ એને પાસપોર્ટ અને ટિકિટ આપવામાં આવશે. એજન્ટેએ કથિતપણે એને એક ઑફર લેટર, વિઝાની કૉપી અને ઑનલાઇન એર ટિકિટ સહિતના દસ્તાવેજ મોકલ્યા હતા.
બધું અસલી લાગી રહ્યું હતું, એટલે મેં તેમના પર વિશ્વાસ કર્યો અને ફ્લાઇટ પકડવા મુંબઈ એરપોર્ટ પહોંચ્યો. અહીં મને એવા અનેક લોકો મળ્યા જે એજ એજન્સીના માધ્યમથી મારી સાથે પ્રવાસ કરવાના હતા, એમ સિંહે કહ્યું.






