પનવેલ પાલિકાના આસિસ્ટંટ ટાઉન પ્લાનરને મીરા-ભાયંદરનો વધારાનો ચાર્જ સોપાયો
થાણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૨૫ જૂને ૧૦૨ કરોડના અર્બન લૅન્ડ સીલિંગ (યુએલસી) કૌભાંડમા મીરા ભાયંદર પાલિકાના ટાઉન પ્લાનરની ધરપકડ બાદ ૫ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. કાયદા મુજબ ૪૮ કલાક કરતા વધુ મુદત માટે તેની અટક થતાં નગર વિકાસ વિભાગ દ્વારા દિલીપ ઘેવારેને ૨૫ જૂન ૨૦૨૧થી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ રાજ્ય સરકારના નગર વિકાસ વિભાગ દ્વારા પનવેલના સહાયક ટાઉન પ્લાનર પાનસરેને વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે.
થાણે જિલ્લાના મીરા-ભાયંદર શહેરમાં ૨૦૦૦ થી ૨૦૦૫ની સાલ દરમિયાન નકલી દસ્તાવેજો બનાવી યુએલસીમાંથી માફી મેળવવાનું કૌભાંડ થયુ હતુ. મીરા ભાયંદર શહેરની વિકાસ યોજના મુજબ કેટલાક ડેવલપરોએ રહેણાંક વિસ્તારમાં હોવા છતા જમીનને ગ્રીન ઝોન બતાવીને યુએલસી છૂટ માટે નકલી પ્રમાણપત્ર મેળવ્યાં હતાં. તે આધારે, તેમણે બિલ્ડિંગો બાંધવા માટે મહાનગર પાલિકાની મંજૂરી લીધી હતી. આને કારણે સરકારે ભારે આર્થિક નુકશાન સહેવું પડ્યું હતું. આ અંગે ફરિયાદ નોંધાતા થાણે પોલીસે ૨૦૧૬મા ગુનો નોંધ્યો હતો. આ કેસમાં તે સમયે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ગુનાની તપાસ અચાનક ઠંડી પડી ગઈ હતી. આ કૌભાંડની ફાઇલ પાંચ વર્ષ બાદ થાણે પોલીસની ગુનાહિત તપાસ શાખા દ્વારા ફરીથી ખોલવામાં આવી છે.
થાણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુએલસી કૌભાંડ મામલે મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત સહાયક ટાઉન પ્લાનર સત્યવાન ધાનેગવે (૫૪), જુનિયર પ્લાનર ભરત કાંબલે (૫૬) અને આર્કિટેક્ટ હેલ્પર ચંદ્રશેખર ઉર્ફ શેખર લિમયે (૫૫)ની ૧૧ જૂન ૨૦૨૧ના ધરપકડ કરી હતી. અત્યારે તેઓ મેજિસ્ટ્રેટ કસ્ટડીમાં છે. જ્યારે આ કેસમાં મીરા-ભાયંદર પાલિકાના સહાયક નિયામક અને ટાઉન પ્લાનર દિલીપ ઘેવરે ફરાર થો હતો. જોકે ક્રાઈમ બ્રાન્ચે ૨૫ જુન ૨૦૨૧ના રોજ તેને ગુજરાતથી પકડવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૫ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
દિલીપ ઘેવારેની ધરપકડ થતાં મીરા-ભાયંદર પાલિકાના કમિશ્નર દિલિપ ઢોલેએ પ્રિન્સિપલ સેક્રેટરીને ૨૮ જૂન ૨૦૨૧ના રોજ પત્ર લખી અન્ય ટાઉન પ્લાનરની નિમણુંક કરવા વિનંતી કરી હતી. કમિશનરની વિનંતીને પગલે નગર વિકાસ વિભાગ દ્વારા દિલીપ ઘેવારેને સસ્પેન્ડ કરી તેની સ્થાને પનવેલ પાલિકાના સહાયક ટાઉન પ્લાનર પાનસરેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
Comments 2