રશિયન ચોકલેટ કંપનીની ટીમે કરી ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત, ખેડૂતોને મળશે લાભદાયી ભાવ
સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજે આંતરરાષ્ટ્રીય કૃષિ વેપારના નકશા પર વધુ મજબૂત રીતે ઉભરી આવ્યું છે. રશિયામાં ચોકલેટ ઉત્પાદનમાં અગ્રણી એવી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિતની ટીમે ગોંડલ યાર્ડની મુલાકાત લઈ મગફળીની ગુણવત્તા, ઉત્પાદન ક્ષમતા, સંગ્રહ વ્યવસ્થા અને હરાજી પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
આ પ્રસંગે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે હાલ રશિયન વેપારીઓ મગફળીની ખરીદી માટે આવ્યા છે અને આગામી સમયમાં મોટા પાયે ખરીદી થવાની શક્યતા છે. જેના પરિણામે ખેડૂતોને પોષણક્ષમ અને ન્યાયસંગત ભાવ મળશે.
ગોંડલ યાર્ડની મગફળી હવે સૌરાષ્ટ્રની સીમાઓ પાર કરીને સાત સમંદર પાર રશિયા પહોંચશે, જેનાથી સ્થાનિક ખેડૂતોની આવકમાં વધારો થશે અને ગોંડલ માર્કેટિંગ યાર્ડની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે વધશે. આ આંતરરાષ્ટ્રીય વેપારથી ખેડૂતોને સીધો ફાયદો થતો ગોંડલ યાર્ડ માટે ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે.






