ચોમાસા દરમિયાન પાણી ભરાવાને કારણે લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાય એની મુંબઈગરાને નવાઈ નથી. દર વરસની જેમ આ વરસે પણ પશ્ચિમ અને મધ્ય રેલવેએ યોજેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ભર ચોમાસામાં રેલવે વ્યવહાર ખોરવાશે નહીં એવો દાવો કર્યો હતો. પશ્ચિમ રેલવેના મુખ્યાલયમાં આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં બંને રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રશાસને મહિનાઓ પહેલાં ચોમાસા દરમિયાન સર્જાતી મુશ્કેલીઓના નીવેડા માટેની કવાયત શરૂ કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ જે વિસ્તારમાં પૂર આવી શકે એવા વિસ્તારોનું સર્વેક્ષણ હાથ ધરાયું હતું. એ સાથે 651 પુલ અને 323 કિલોમીટરના નાળાની સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત વરસાદી પાણીનો વહોલી તકે નિકાલ થાય એ માટે નવા નાળાઓ પણ બનાવવામાં આવ્યા છે. તો અગિયાર સ્થળે માઇક્રો ટનલિંગનું કામ પણ કર્યું છે. નાળાની સફાઈ દરમિયાન ત્રણ લાખ ક્યુબિક મીટર કરતા વધુ કચરો કાઢવામાં આવ્યો હતો. ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની શક્યતા હોય એવા 396 સ્થળે હેવી પંપ બેસાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, રેલવે વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે એની જાણકારી મેળવવા 14 જેટલા વરસાદની નોંધણી કરતા સ્વયંસંચાલિત યંત્રો બેસાડવામાં આવ્યા છે.
જોકે રેલવે અધિકારીઓએ દાવો કર્યો હતો કે રેલવે લાઇન કરતા આજુબાજુની સોસાયટીનું લેવલ ઊંચું હોવાને કારણે ત્યાંનું બધું પાણી રેલવે ટ્રેક પર આવે છે. આ પાણી કાઢવા રેલવેએ વ્યવસ્થા તો કરી છે પણ ભારે વરસાદ હોય ત્યારે એ અપૂરતી સાબિત થાય છે.
એ સાથે પશ્ચિમ રેલવે દ્વારા મીઠી અને દહીસર નદીના પાણીની લેવલની જાણકારી દર પંદર મિનિટે મળતી રહે એ માટે પલ્સ રડાર મોનિટરિંગ મશીન બેસાડવામાં આવ્યું છે. ચાર લાખની કતિંમત ધરાવતા આ મશીન ચોવીસે કલાક પાણીના સ્તરની જાણકારી દર પંદર મિનિટે આપતું રહેશે.
એ સાથે તૂટી પડવાની શક્યતાવાળા વૃક્ષની છટણી કરવામાં આવી છે. તમામ ઈવીએમ રેક્સની ચકાસણી કરવામાં આવી છે. તો પાટાના નિરીક્ષણ માટે પેટ્રોલમેન અને બ્રિજ ગાર્ડની ટુકડી તૈનાત કરવામાં આવી છે.
મધ્ય રેલવે દ્વારા ઘાટ વિસ્તારમાં અનેક ઉપાય યોજના કરવામાં આવી છે જેમાં 60 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બોલ્ડર નેટિંગ, 450 મીટરની કેનેડિયન ફેન્સિંગ, 1200 મીટર કેચ વૉટર ડ્રેન, 170 મીટર ટનલ પોર્ટલનો વિસ્તાર, 650 મીટર ડાયનેમિક રૉક ફૉલ બેરિયર તથા 13 સ્થળેવોલ્ડર કેચિંગ સમ્પ અને 18 સ્થળે ટનલ સાઉન્ડિંગ લગાવાયા છે.