15 ઓગસ્ટથી મધ્ય અને પશ્ચિમ રેલવેએ એસી લોકલના ફેરામાં વધારો કરવામાં આવ્યો છે. સાદી લોકલના ભોગે એસીની સર્વિસ વધારવામાં આવી હોવાથી સામાન્ય પ્રવાસીઓ ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે. સાદી લોકલની સર્વિસ ઘટાડી એસી ટ્રેનો શરૂ કરાથી હોવાથી પ્રવાસી સંગઠનો પણ એના વિરોધમાં આક્રમક બન્યા છે. પશ્ચિમ રેલવેમાં પણ આ પ્રકારે એસી ટ્રેનો વધારાતા સામાન્ય પ્રવાસીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે.
મુંબઈમાં એસી લોકલની શરૂઆત થઈ ત્યારે પણ લોકોએ ભારે વિરોધ કર્યો હતો. પરંતુ લોકોના વિરોધને અવગણી રેલવે પ્રશાસન એના નિર્ણયને વળગી રહ્યું હતું. એસી લોકલને કારણે સાદી લોકલ રદ કરાતી હોવાથી સામાન્ય પ્રવાસીઓનો સમય બગડવાની સાથે ભારે ભીડવાળી લોકલમાં મુસાફરી કરવાની ફરજ પડે છે. આજની મોંઘવારીમાં લોકોને બીજા વર્ગનો પાસ પોસાતો નથી ત્યાં એસીના ભાડાં ક્યાંથી પરવડે?
સ્વતંત્રતા દિવસથી મધ્ય રેલવેના જનરલ મેનેજરે વધારાની દસ એસી લોકલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. નવી દસ ટ્રેનોને કારણે એસી લોકલની સર્વિસની સંખ્યા વધીને 66 થઈ છે. જોકે પ્રવાસી સંગઠનો રેલવેના આ નિર્ણયતી નારાજ છે.
થાણે અને એ પછીના ડોંબિવલી, કલ્યાણ, અંબરનાથ, બદલાપુર જેવા વિસ્તારોમાં રહેનારાઓ માટે પાંચમી અને છઠ્ઠી લાઇન વરદાનરૂપ હશે એવું જણાવાઈ રહ્યું હતું. પણ જ્યારથી આ લાઇનનું લોકાર્પણ થયું ત્યારથી એના પર માત્ર એસી લોકલ જ દોડાવવામાં આવી રહી હોવાથી આ રૂટના પ્રવાસીઓને એનો કોઈ લાભ થયો નથી.
મધ્ય અને પશ્ચિમ ની લોકલ લાઇન પર સાદી લોકલ બંધ કરી એસી લોકલ શરૂ કરવી અનિવાર્ય હોવાનું કહેવાય છે. કારણ, આવનારા સમયમાં જેટલી પણ નવી લોકલ મુંબઈગરા માટે આવશે એ તમામ એસી હશે એવો નિર્ણય અગાઉ લેવામાં આવ્યો છે. પરંતુ એસીમાં બેસીને નિર્ણય લેતા અધિકારીઓએ મુંબઈના સામાન્ય અને ગરીબ પ્રવાસીઓ વિશે વિચાર્યું હશે કે કેમ એવો સવાલ ખડો થાય છે. કારણ આવા પ્રવાસીઓ માટે તો એસી લોકલની ટિકિટ કે પાસ કઢાવવો એટલે મહિનાભરના બે ટંકના પૈસા ખરચી નાખવા જેવું છે.
એસી લોકલને ઘણો નબળો પ્રતિસાદ મળ્યો છે. એના ટિકિટના દર પ્રવાસીઓને પરવડી શકે એવા હતા જ નહીં. જોકે તાજેતરમાં કેન્દ્રિય રેલવે રાજ્ય પ્રધાન રાવસાહેબ દાનવેએ મુંબઈની મુલાકાત લઈ લોકલ ટ્રેનો વિશે મેળવેલા અહેવાલને પગલે એસી લોકલની ટિકિટોના દર ઘટાડવાની જાહેરાત કરી હતી. ટિકિટના ભાવ ઘટાડવા છતાં એસી લોકલને જોઇએ તેવો પ્રતિસાદ મળતો ન હોવા છતાં ટિકિટના ભાવ ઘટાડા બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હોવાનો દાવો રેલવે કરી રહી છે. અને વધતા પ્રતિસાદને પગલે એસી લોકલની સર્વિસ વધારવાનો નિર્ણય પ્રશાસને લીધો હોવાનું અધિકારીનું કહેવુ છે.